<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

પાકિસ્તાનની ધરતી પર મહાસત્તાઓનો જંગ: ઈરાને અમેરિકા સામે મૂકી બે ‘કડક’ શરતો, શું ટ્રમ્પના દૂતો શાંતિ સ્થાપવામાં સફળ થશે?

ઈસ્લામાબાદમાં હાઈવોલ્ટેજ ડ્રામા: જેડી વાન્સ અને જેરેડ કુશનર મંત્રણા માટે તૈયાર, પણ ઈરાને સ્પષ્ટ કહી દીધું- "જો ઈઝરાયલના પક્ષમાં રહેશો તો દુનિયાને મોટી કિંમત ચૂકવવી પડશે"

ઈસ્લામાબાદ: વિશ્વ આખું જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું તે ઈરાન અને અમેરિકા વચ્ચેની શાંતિ મંત્રણાનો ગણગણાટ હવે પાકિસ્તાનની ધરતી પર સંભળાઈ રહ્યો છે. શનિવારે સવારે ઈસ્લામાબાદમાં બંને દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળો સામસામે બેસશે. એક તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરની જોડી છે, તો બીજી તરફ ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર કાલીબાફના નેતૃત્વમાં શક્તિશાળી ઈરાની ડેલિગેશન છે. પરંતુ આ મંત્રણા શરૂ થાય તે પહેલા જ ઈરાને પોતાની હઠ અને શરતો જાહેર કરીને અમેરિકાને ભીંસમાં મૂક્યું છે.
ઈરાનની બે ‘તલવાર’ જેવી શરતો
મંત્રણાના ટેબલ પર બેસતા પહેલા જ ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી તેની બે મુખ્ય માંગણીઓ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ કરાર શક્ય નથી.
1.    જપ્ત કરાયેલી સંપત્તિની મુક્તિ: અમેરિકાએ ઈરાનની જે અબજો ડોલરની સંપત્તિ જપ્ત કરી છે તેને તાત્કાલિક મુક્ત કરવી પડશે.
2.    લેબનોનમાં યુદ્ધવિરામ: લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષને સંપૂર્ણપણે રોકીને ત્યાં યુદ્ધવિરામ લાગુ કરવો પડશે.
"અમેરિકા ફર્સ્ટ કે ઈઝરાયલ ફર્સ્ટ?" – ઈરાનનો વેધક સવાલ
ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રેઝા આરેફે સોશિયલ મીડિયા પર સીધો પ્રહાર કરતા જણાવ્યું છે કે આ શાંતિ મંત્રણાનું ભવિષ્ય અમેરિકાની પસંદગી પર નિર્ભર છે. તેમણે કહ્યું કે, "જો અમેરિકા 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ રાખીને વાત કરશે તો સમજૂતી થશે, પરંતુ જો તે 'ઈઝરાયલ ફર્સ્ટ'ની માનસિકતા સાથે આવશે તો ઈરાન પોતાનું સંરક્ષણ વધુ આક્રમક બનાવશે." આ નિવેદને વાતાવરણમાં ભારે તણાવ પેદા કર્યો છે.
પાકિસ્તાન બન્યું યજમાન: એરપોર્ટ પર ગરમાગરમ આવકાર
આ ઐતિહાસિક મંત્રણા માટે પાકિસ્તાને પણ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફનું સ્વાગત કરવા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર પોતે એરપોર્ટ પર હાજર રહ્યા હતા. શનિવારે સવારે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ઈસ્લામાબાદમાં જે બેઠક યોજાશે, તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. શું ટ્રમ્પની ટીમ ઈરાનને મનાવવામાં સફળ રહેશે કે પછી મધ્ય-પૂર્વમાં સંઘર્ષની જ્વાળાઓ વધુ તેજ બનશે? તે આગામી કેટલાક કલાકોમાં સ્પષ્ટ થઈ જશે.

(6:22 PM IST)