<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

દુબઈ-કાઠમંડુ ફ્લાઇટનું લખનૌમાં ઇમરજન્સી લેન્ડિંગ : 154 મુસાફરોના શ્વાસ અધ્ધર

દુબઈથી નેપાળ જઈ રહેલા વિમાનમાં ઇંધણ ખૂટી પડતા પાઇલટે તાત્કાલિક લખનૌ એરપોર્ટનો સંપર્ક કરી સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું : તમામ મુસાફરોનો આબાદ બચાવ

લખનૌ:  દુબઈથી કાઠમંડુ જઈ રહેલું ફ્લાઇટ નંબર FZ 1133 શનિવારે રાત્રે આકાશી માર્ગે ગંભીર કટોકટીમાં ફસાયું હતું. વિમાન જ્યારે હવામાં હતું ત્યારે અચાનક ઇંધણનું સ્તર જોખમી રીતે ઓછું થઈ જતાં પાઇલટે સમયસૂચકતા વાપરી લખનૌના ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી. રાત્રે 8:22 કલાકે જ્યારે વિમાન રનવે પર ઉતર્યું ત્યારે તેમાં સવાર 154 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ પાઇલટની કુશળતાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.

એરપોર્ટ પર ઉતરાણ બાદ તુરંત જ સુરક્ષા એજન્સીઓ અને વહીવટીતંત્રે વિમાનને ઘેરી લીધું હતું અને તપાસ શરૂ કરી હતી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે પ્લેનમાં જ રાખવામાં આવ્યા હતા અને એરપોર્ટ પર જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર હવાઈ મુસાફરીમાં આવતી ટેકનિકલ ખામીઓ અને સુરક્ષાના માપદંડો સામે સવાલો ઉભા કર્યા છે, જોકે ગ્રાઉન્ડ સ્ટાફ અને સુરક્ષા એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

નોંધનીય છે કે લખનૌ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસોમાં આ બીજી મોટી ઇમરજન્સી લેન્ડિંગની ઘટના છે. આ અગાઉ બાગડોગરાથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ધુમાડો દેખાતા તેને ડાયવર્ટ કરવામાં આવી હતી. સતત બનતી આવી ઘટનાઓને પગલે મુસાફરોમાં ચિંતાનો માહોલ છે, પરંતુ પાઇલટો દ્વારા લેવામાં આવતા 'પેન-પેન' અને 'મેડે' કોલ્સ જેવી સાવચેતીઓને કારણે અત્યાર સુધી મોટી દુર્ઘટનાઓ ટળી શકી છે.

(6:43 PM IST)