<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : હાઈ સ્પીડ ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ૨૪ રૂપિયા અને રોડ ઇન્ફ્રા સેસમાં ૩૬ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો

નાણાકીય પડકારો વચ્ચે આવક વધારવા એટીએફ પરની ડ્યુટીમાં પણ વધારો, જ્યારે પેટ્રોલ પરની એક્સપોર્ટ ડ્યુટી શૂન્ય યથાવત : નવો ભાવવધારો તાત્કાલિક અસરથી લાગુ થતા માલવાહક વાહનોના ભાડા વધવાની ભીતિ

નવી દિલ્હી:વૈશ્વિક સ્તરે ચાલી રહેલા જંગ અને નાણાકીય દબાણ વચ્ચે ભારત સરકારે ૧૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરના વેરામાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવી નોટિસ મુજબ, હાઈ સ્પીડ ડીઝલ પર લાગતી સ્પેશિયલ એક્સાઈઝ ડ્યુટી વધારીને હવે ૨૪ રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, વિકાસ કાર્યો માટે લેવામાં આવતા રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસમાં પણ મોટો ઉછાળો આપીને તેને ૩૬ રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે.

 

ડીઝલ પર એક્સપોર્ટ ડ્યુટીમાં ધરખમ વધારો:

કેન્દ્ર સરકારે શનિવારે સ્પષ્ટ કર્યું હતું કે ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટી ૨૧.૫ રૂપિયા પ્રતિ લીટરથી વધારીને સીધી ૫૫.૫ રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે. આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ડીઝલના નિકાસ દરોમાં મોટો ફેરફાર જોવા મળશે. સરકારના આ કડક વલણને પગલે હવે એવી ચર્ચા જાગી છે કે શું આ વધારાની અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે કે કેમ? ખાસ કરીને ટ્રક અને અન્ય માલવાહક વાહનોમાં ડીઝલનો ઉપયોગ થતો હોવાથી ચીજવસ્તુઓની હેરફેર એટલે કે માલઢુલાઈ ખર્ચમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.

 

હવાઈ ઈંધણ (ATF) પણ મોંઘું થયું:

સરકારે માત્ર ડીઝલ જ નહીં, પરંતુ વિમાનમાં વપરાતા ઈંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરની ડ્યુટીમાં પણ વધારો કર્યો છે. એટીએફ પરની ડ્યુટી ૨૯.૫ રૂપિયા પ્રતિ લીટરથી વધારીને ૪૨ રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. આ ફેરફારને કારણે આગામી સમયમાં હવાઈ મુસાફરીના ભાડામાં પણ વધારો થઈ શકે છે. જોકે, રાહતની વાત એ છે કે પેટ્રોલ પરની એક્સપોર્ટ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે પહેલાની જેમ શૂન્ય જ રાખવામાં આવી છે.

 

નાણાકીય આવક વધારવાનો લક્ષ્યાંક:

નાણા મંત્રાલયની ૧ એપ્રિલની અધિસૂચનાઓ દ્વારા આ તમામ નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે અને તેનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવાયો છે. સરકાર વધતા નાણાકીય દબાણ વચ્ચે મહેસૂલી આવક વધારવા માટે આ પગલાં ભરી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે. આટલા મોટા વધારા પાછળના સચોટ કારણો વિશે સરકાર ટૂંક સમયમાં સત્તાવાર ખુલાસો કરે તેવી અપેક્ષા છે. હાલમાં આ ફેરફારોથી ઉદ્યોગ જગત અને પરિવહન ક્ષેત્રમાં મોટી ચિંતા પ્રસરી ગઈ છે.

(7:20 PM IST)