<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ચાગોસ ટાપુઓ પર ટ્રમ્પનો ‘વીટો’: બ્રિટન અને મોરેશિયસ વચ્ચેનો ઐતિહાસિક સોદો અધ્ધરતાલ, અમેરિકી દબાણ સામે કીર સ્ટાર્મર સરકાર નમી!

હિંદ મહાસાગરનું રાજકારણ ગરમાયું: ડોનાલ્ડ ટ્રમ્પે સોદાને "મૂર્ખતાનું કૃત્ય" ગણાવતા બ્રિટને સંસદમાં બિલ પડતું મૂક્યું, ડિએગો ગાર્સિયા લશ્કરી બેઝના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળો

લંડન,: હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા ચાગોસ ટાપુઓને મોરેશિયસને સોંપવાનો બ્રિટનનો નિર્ણય હવે વિવાદોના વંટોળમાં ફસાયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે આ સોદા સામે લાલ આંખ કરતા બ્રિટિશ સરકારે શનિવારે આ કરારને બહાલી આપવાની પ્રક્રિયા અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવાની ફરજ પડી છે. બ્રિટિશ સંસદમાં આ અંગેનો કાયદો પસાર કરવા માટેનો સમય પૂરો થઈ ગયો હોવાનું સરકારે સ્વીકાર્યું છે, જે વાસ્તવમાં ટ્રમ્પના વિરોધનું પરિણામ માનવામાં આવે છે.
ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટે ખેલ બગાડ્યો
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની સરકાર આ ટાપુઓ મોરેશિયસને સોંપવા માટે ઉત્સુક હતી, પરંતુ જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ સોદાને "મહાન મૂર્ખતાનું કૃત્ય" ગણાવીને તીખી પ્રતિક્રિયા આપી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે જો બ્રિટન આ ટાપુઓ છોડશે, તો ત્યાં ચીન અને રશિયા જેવા દેશોની દખલગીરી વધી શકે છે, જે અમેરિકાના લશ્કરી હિતો માટે જોખમી સાબિત થઈ શકે છે.
ડિએગો ગાર્સિયા: અમેરિકાનું શક્તિશાળી લશ્કરી મથક
ચાગોસ ટાપુઓ પૈકીનો એક ટાપુ 'ડિએગો ગાર્સિયા' અમેરિકા અને બ્રિટનનું સંયુક્ત લશ્કરી થાણું છે. આ બેઝ વિયેતનામથી લઈને ઈરાક અને અફઘાનિસ્તાન સુધીના યુદ્ધોમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યો છે. હાલમાં ઈરાન પરના હુમલાઓ માટે પણ અમેરિકન બોમ્બરો આ બેઝનો ઉપયોગ કરી રહ્યા છે. બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડિએગો ગાર્સિયાની લાંબા ગાળાની સુરક્ષા જ તેમની પ્રાથમિકતા છે અને અમેરિકાના સમર્થન વગર તેઓ આ સોદામાં આગળ વધી શકશે નહીં.
વિસ્થાપિતોની વેદના અને રાજકીય વિરોધ
1960 અને 70ના દાયકામાં આ બેઝ બનાવવા માટે લગભગ 10,000 જેટલા ચાગોસિયનોને તેમના વતનમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ વિસ્થાપિતો આજે પણ પોતાના ઘરે પરત ફરવા માટે કોર્ટમાં લડાઈ લડી રહ્યા છે. બીજી તરફ, બ્રિટનની વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટી અને રિફોર્મ યુકેએ પણ આ સોદાનો વિરોધ કરીને ટ્રમ્પ પ્રશાસનને દબાણ કર્યું હતું. હવે જ્યારે રાજા ચાર્લ્સ III દ્વારા જાહેર કરાયેલા નવા બિલોની યાદીમાં આ કરારનો સમાવેશ કરાયો નથી, ત્યારે આ ઐતિહાસિક સોદો હાલ પૂરતો ‘કોલ્ડ સ્ટોરેજ’માં જતો રહ્યો છે.

(7:21 PM IST)