News of Saturday, 11th April 2026
ઈરાન-અમેરિકા જંગનો ૪૨મો દિવસ : ઈસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટો માટે પ્રતિનિધિઓ આમને-સામને : ૧૯૭૯ પછી પ્રથમવાર સીધી ચર્ચા થવાની શક્યતા વચ્ચે સમગ્ર વિશ્વની મીટ
સીઝફાયર આડે માત્ર ૧૧ દિવસ બાકી હોવા છતાં લેબનોન હુમલા અને હોર્મુઝની સામુદ્રધુની પર વિવાદ યથાવત : ઈરાને 'સદ્ભાવના પણ વિશ્વાસ નહીં'ના મંત્ર સાથે ફ્રીઝ કરેલી સંપત્તિ છોડવા સહિતની આકરી શરતો મૂકી

ઈસ્લામાબાદ:ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના ૪૨માં દિવસે આજે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ નિર્ણાયક વાટાઘાટોનું કેન્દ્ર બની છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ ૧૬ કલાકની મુસાફરી ખેડીને અહીં પહોંચ્યા છે, જ્યારે ઈરાનનું ૭૧ સભ્યોનું વિશાળ પ્રતિનિધિમંડળ પણ નૂર ખાન એરબેઝ પર ઉતરી ચૂક્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી અને આર્મી ચીફ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન આ વાટાઘાટોમાં મધ્યસ્થી તરીકે બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલુ રહે તે માટે સામાન્ય સહમતિ સાધવા પ્રયાસ કરી રહ્યું છે. જોકે, ઈરાને આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ સદ્ભાવના સાથે આવ્યા છે પણ અમેરિકા પર તેમને જરાય વિશ્વાસ નથી.
ઈરાનની બે પૂર્વ શરતો અને લેબનોનનો વિવાદ:
ઈરાનના સંસદ સ્પીકર કાલિબાફે પાકિસ્તાન પહોંચતા જ બે મુખ્ય શરતો જાહેર કરી છે. પ્રથમ લેબનોનમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને બીજું વિદેશમાં ફ્રીઝ કરવામાં આવેલી ઈરાનની તમામ નાણાકીય સંપત્તિ મુક્ત કરવી. કાલિબાફે અમેરિકા પર અગાઉના વચનો તોડવાનો અને વાટાઘાટો દરમિયાન હુમલા કરવાનો આરોપ લગાવતા ઈરાની નાગરિક પીડિતોના ફોટા પણ પ્રદર્શિત કર્યા હતા. બીજી તરફ, ઇઝરાયેલ દ્વારા લેબનોનમાં હિઝબુલ્લાહના ૧૦૦થી વધુ ઠેકાણાઓ પર હુમલા કરી ૨૦૦ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવતા મામલો ગરમાયો છે. ઈરાને ચેતવણી આપી છે કે જો લેબનોનમાં હુમલા નહીં અટકાવવામાં આવે તો મિસાઇલો છોડવા માટે તૈયાર છે.
પરમાણુ હથિયાર મુદ્દે ટ્રમ્પનું કડક વલણ:
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્જીનિયા રવાના થતા પહેલા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ આખી લડાઈ ૯૯ ટકા પરમાણુ હથિયારો વિશે જ છે. તેમણે ચેતવણી આપી છે કે હોર્મુઝની સામુદ્રધુની ઈરાનના સહકાર સાથે અથવા તેના વગર પણ ખોલવામાં આવશે અને જો વાટાઘાટો સફળ નહીં થાય તો અમેરિકા આ વિવાદનો ગમે તે રીતે અંત લાવશે. નોંધનીય છે કે હાલમાં ૨૩૦ જેટલા ઓઈલ ટેન્કરો ગલ્ફમાં ફસાયેલા છે. ઈરાન આ જહાજો પર પોતાનું નિયંત્રણ ઈચ્છે છે જ્યારે અમેરિકા કોઈપણ શરત વગર દરિયાઈ માર્ગ ખુલ્લો રાખવા મક્કમ છે.
સીધી અને પરોક્ષ વાટાઘાટોનો ગૂંચવાડો:
વર્ષ ૧૯૭૯ પછી પ્રથમ વખત એવી શક્યતા છે કે અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ આમને-સામને ટેબલ પર બેસીને ચર્ચા કરશે. અગાઉ માત્ર ઓમાન દ્વારા પરોક્ષ રીતે જ સંદેશા વ્યવહાર થતો હતો. આ બેઠકમાં વિટકોફ અને કુશનરની હાજરીથી ઈરાન નારાજ છે, કારણ કે ફેબ્રુઆરીમાં તેમની સાથેની વાટાઘાટો નિષ્ફળ રહી હતી. ઈરાને જે.ડી. વેન્સ સાથે ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ટ્રમ્પે ત્રણેયને મોકલીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે વાટાઘાટોની શરતો અમેરિકા જ નક્કી કરશે.
સમયની ભારે ખેંચતાણ:
હાલના સીઝફાયરની મુદત ૨૨ એપ્રિલે એટલે કે હવે માત્ર ૧૧ દિવસમાં પૂર્ણ થઈ રહી છે. આ ટૂંકા ગાળામાં યુરેનિયમ સંવર્ધન, લેબનોન વિવાદ, હોર્મુઝનો દરિયાઈ માર્ગ અને બંને દેશોના વિરોધાભાસી પ્રસ્તાવો વચ્ચે સમાધાન સાધવું એ અત્યંત મુશ્કેલ જણાય છે. પોપ લીઓ ૧૪માએ પણ આ યુદ્ધની ટીકા કરતા શાંતિની અપીલ કરી છે. હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર ઈસ્લામાબાદની આ બેઠક પર છે કે શું યુદ્ધ વિરામ લંબાશે કે ફરીથી ભીષણ જંગ ફાટી નીકળશે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
