હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મણિપુરમાં લોહીની હોળી: ઉખરુલમાં આતંકી હુમલામાં BSFનો જવાન શહીદ, સુરક્ષા દળો હાઈ એલર્ટ પર
સીમા સુરક્ષા દળના કોન્સ્ટેબલ મિથુન મંડલે ફરજ દરમિયાન બલિદાન આપ્યું: પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ પર પાબંદી લંબાવાઈ અને હથિયારો લૂંટવાનો પ્રયાસ કરનાર ટોળકીની ધરપકડ સાથે સરહદી વિસ્તારોમાં વધતો જતો તણાવ

ઇમ્ફાલ: મણિપુરના ઉખરુલ જિલ્લામાં ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે. શુક્રવારે સાંજે જ્યારે સમગ્ર દેશ શાંતિની આશા રાખી રહ્યો હતો, ત્યારે મોંગકોટ ચેપુ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા BSFની 170મી બટાલિયનના જવાનો પર આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો હતો. આ કાયરતાપૂર્ણ હુમલામાં પશ્ચિમ બંગાળના રહેવાસી કોન્સ્ટેબલ મિથુન મંડલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ઇમ્ફાલની RIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતાં સાંજે 6 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં શોકની લહેર ફરી વળી છે અને સુરક્ષા દળોએ આતંકીઓને શોધી કાઢવા માટે ગાઢ જંગલોમાં સર્ચ ઓપરેશન તેજ કર્યું છે.
મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે આ ઘટનાની આકરી નિંદા કરતા જણાવ્યું છે કે શહીદ જવાનનું બલિદાન એળે નહીં જાય. રાજ્યમાં વંશીય હિંસા અને આતંકવાદી પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવા માટે સરકાર કટિબદ્ધ છે. દરમિયાન, હીનગાંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સુરક્ષા દળો પર હુમલો કરી તેમના અત્યાધુનિક હથિયારો છીનવી લેવાનો પ્રયાસ કરનારા છ તોફાની યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાઓ દર્શાવે છે કે મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે હજુ લાંબો સંઘર્ષ બાકી છે અને અસામાજિક તત્વો સતત વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા વહીવટીતંત્રે ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, કાકચિંગ અને બિષ્ણુપુર સહિતના પાંચ સંવેદનશીલ જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ વધુ બે દિવસ માટે લંબાવી દીધો છે. સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવીને હિંસા ભડકાવવાની કોશિશ ન થાય તે માટે વોટ્સએપ, ફેસબુક અને એક્સ (X) જેવી સેવાઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. મણિપુરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે સુરક્ષા દળો અને સામાન્ય નાગરિકો માટે સુરક્ષા એ સૌથી મોટો પડકાર બની રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
