હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગૂગલનો ‘માસ્ટર સ્ટ્રોક’: હવે ઇન્ટરનેટ વગર પણ તમારા ફોનમાં દોડશે AI, ડેટા લીક થવાની ચિંતાનો આવ્યો કાયમી અંત!
જેમ્મા 4 અને AI એજ ગેલેરી એપ લોન્ચ: ક્લાઉડ સર્વરની ઝંઝટ છોડી સ્માર્ટફોન પોતે જ બનશે સુપર કોમ્પ્યુટર, યુઝર્સની પ્રાઈવસી જાળવવા ગૂગલે રમ્યો સૌથી મોટો દાવ

કેલિફોર્નિયા: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં અત્યાર સુધી આપણે ઇન્ટરનેટ અને ક્લાઉડ પ્રોસેસિંગ પર નિર્ભર હતા, પરંતુ ગૂગલે હવે આ મર્યાદાઓને તોડી નાખી છે. ગૂગલે તેના નવા ઓપન-સોર્સ મોડેલ જેમ્મા 4 (Gemma 4) અને અપડેટેડ AI એજ ગેલેરી એપ સાથે ‘ઓફલાઇન AI’ ની દુનિયામાં મોટું એલાન કર્યું છે. આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે તમારો સ્માર્ટફોન ઇન્ટરનેટ કનેક્શન વગર પણ ચેટિંગ, ઇમેજ એનાલિસિસ અને કન્ટેન્ટ ક્રિએશન જેવા અઘરા કામો કરી શકશે.
ડેટા સુરક્ષામાં સીમાચિહ્નરૂપ ફેરફાર
સામાન્ય રીતે જ્યારે આપણે AI નો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણો ડેટા પ્રોસેસિંગ માટે કંપનીના સર્વર પર જાય છે, જેનાથી પ્રાઈવસીનું જોખમ રહે છે. પરંતુ ગૂગલની આ નવી સિસ્ટમમાં તમામ પ્રોસેસિંગ સીધું તમારા જ હેન્ડસેટ પર થશે. આનો અર્થ એ છે કે તમારી અંગત માહિતી ફોનની બહાર ક્યાંય જશે નહીં. આ ટેકનોલોજી ખાસ કરીને એવા યુઝર્સ માટે વરદાન સાબિત થશે જેઓ હંમેશા ઓનલાઇન રહી શકતા નથી અથવા પોતાના ડેટા પ્રત્યે વધુ સંવેદનશીલ છે.
કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?
યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી ‘ગૂગલ AI એજ’ એપ ડાઉનલોડ કરી શકે છે. એપમાં ગયા પછી મોડલ્સ સેક્શનમાંથી જેમ્મા 4 ના અલગ-અલગ વર્ઝન (જેમ કે E2B કે E4B) ડાઉનલોડ કરવાના રહેશે. એકવાર મોડેલ ડાઉનલોડ થઈ ગયા પછી, ઇન્ટરનેટ બંધ હોવા છતાં પણ તમે AI સાથે વાતચીત કરી શકશો, ઓડિયોને ટેક્સ્ટમાં ફેરવી શકશો અને ફોટાઓનું વિશ્લેષણ કરી શકશો.
કયા ફોનમાં ચાલશે આ હાઈટેક AI?
આ સુવિધાનો લાભ લેવા માટે સ્માર્ટફોન પાવરફુલ હોવો જરૂરી છે. એન્ડ્રોઇડના લેટેસ્ટ મોડલ્સ ઉપરાંત, આઈફોન યુઝર્સ માટે પણ ખુશખબર છે કે iPhone 15 પ્રો કે તેનાથી પછીના મોડલ્સમાં આ સુવિધા ઉપલબ્ધ રહેશે. ગૂગલનું આ કદમ સાબિત કરે છે કે ભવિષ્યમાં AI માત્ર એક લક્ઝરી નહીં, પણ દરેકના ખિસ્સામાં રહેલી એક પાવરફુલ અને સુરક્ષિત સુવિધા બની રહેશે. ગૂગલના આ એલાનથી એઆઈ ક્ષેત્રે માઈક્રોસોફ્ટ અને એપલ જેવી દિગ્ગજ કંપનીઓ વચ્ચેની સ્પર્ધા હવે નવા સ્તરે પહોંચી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
