<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

કાંદિવલીમાં લક્ષ્મી નિવાસ બિલ્ડિંગના ભાડૂતોએ સ્વખર્ચે બાંધેલ શહેરના સૌથી પહેલા ટ્રાન્ઝિટ કૅમ્પમાં કર્યો ગૃહપ્રવેશ

ટ્રાન્ઝિટ કૅમ્પમાં હરખનાં આંસુ સાથે ગૃહપ્રવેશ કરીને એક નવો ઇતિહાસ રચ્યો :ભાડૂતોએ તેમની ઇમારતનું પુનઃનિર્માણ ન થાય ત્યાં સુધી આ ટ્રાન્ઝિટ કૅમ્પ તૈયાર કર્યો

મુંબઈ :કાંદિવલી-વેસ્ટના મથુરાદાસ રોડ પર આવેલા લક્ષ્મી નિવાસ બિલ્ડિંગના ભાડૂતોએ ગઈ કાલે સવારે સ્વખર્ચે તૈયાર કરેલા ટ્રાન્ઝિટ કૅમ્પમાં હરખનાં આંસુ સાથે ગૃહપ્રવેશ કરીને એક નવો ઇતિહાસ રચ્યો હતો. આ ભાડૂતોએ તેમની ઇમારતનું પુનઃનિર્માણ ન થાય ત્યાં સુધી મુંબઈ મહાનગરપાલિકાની પરવાનગીથી આ ટ્રાન્ઝિટ કૅમ્પ તૈયાર કર્યો છે. ભાડૂતોએ બેઘર બની ગયા પછી ૧૧ વર્ષ અને ૯ મહિનાની લાંબી લડત પછી પોતાના ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો.  

   અમારી સામે પહેલાં અમારા લૅન્ડલૉર્ડ તરફથી ૨૦૧૨માં કેસ કરવામાં આવ્યો હતો એમ જણાવતાં લક્ષ્મી નિવાસ ભાડૂત મંડળના સેક્રેટરી નીલેશ મારુએ કહ્યું હતું કે ‘ત્યાર પછી ૨૦૧૪માં મહાનગરપાલિકાએ અમારા વિરોધ વચ્ચે અમારા મકાનને ખાલી કરાવીને અમને બેઘર કરી નાખ્યા હતા અને ૨૦૧૯માં અમારા મકાનને ધરાશાયી કરી દેવામાં આવ્યું હતું. એ દિવસથી રોડ પર ઊતરીને અમારી લડત શરૂ થઈ હતી. અમે ૨૦૨૦માં અમારું ઘર પાછું મેળવવા મુંબઈ મહાનગરપાલિકાના અનેક અધિકારીઓ અને રાજકીય નેતાઓને હાથપગ જોડ્યા, પણ અમને નિરાશા મળી. કાયદા પ્રમાણે ભાડૂતી મકાનના ભાડૂતોએ લડવા માટે ભાડૂત મંડળ બનાવવું અનિર્વાય છે અને તો જ તેઓ કાયદાકીય લડત લડી શકે.’

     નીલેશ મારુએ ઉમેર્યું હતું કે ‘લક્ષ્મી નિવાસ બિલ્ડિંગને મુંબઈ મહાનગરપાલિકાએ અત્યંત જોખમી બિલ્ડિંગ જાહેર કરીને ૨૦૧૪ની ૧૮ જુલાઈએ ખાલી કરાવી દીધું હતું. ત્યારથી આ બિલ્ડિંગના ૧૨ ભાડૂતો પુનર્વસન માટે મુંબઈ મહાનગરપાલિકા અને તેમના લૅન્ડલૉર્ડ સામે લડી રહ્યા હતા. જોકે બેઘર બનેલા ભાડૂતોએ અનેક આંદોલન કર્યા પછી પણ મહાનગરપાલિકા તેમને ન્યાય આપવા ટસની મસ નહોતી થતી. અમારી ઇમારતને ધરાશાયી કરી ત્યારે અમને વહેલી તકે ઘર આપવામાં આવશે એવાં વચન આપવામાં આવ્યાં હતાં. એ વચનના ભરોસે અમે વર્ષોથી અમારું ઘર હોવા છતાં ભાડાં પર બીજી જગ્યાએ રહેતા હતા. અમારામાંથી અમુક સિનિયર સિટિઝનો પાસે તો હવે ભાડું ભરવા માટેના પૈસા પણ નથી. અત્યાર સુધીમાં ૧૩ ભાડૂતો નવા ઘરની રાહ જોતાં-જોતાં મૃત્યુ પામ્યા છે. ત્યારે અમને અમારી ઇમારતના ખાલી પ્લૉટ પર ટ્રાન્ઝિટ કૅમ્પ પણ અમારા ખર્ચે બાંધવાનું કહેવામાં આવ્યું હતું. એમાં મહાનગરપાલિકાને બૅન્ક-ગૅરન્ટી આપવાથી લઈને અમારા ચાલ-ટાઇપનાં મકાનો ઊભાં કરવા માટે એકેએક ભાડૂતે અંદાજે સાડાસાત લાખ રૂપિયા ઘરના કાઢવા પડ્યા છે. મહાનગરપાલિકાના કાયદા પ્રમાણે આ બધો બોજ અમે ઉપાડ્યો હતો. જ્યારે લૅન્ડલૉર્ડના માથે એકેય રૂપિયાનો બોજ આવ્યો નથી. આમ છતાં અમે ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સૂત્રને વળગી રહ્યા હતા. અમે કોઈ પણ રીતે અમારાં ઘર પાછાં મેળવવા માગતા હતા એથી અમે મહાનગરપાલિકાના ટ્રાન્ઝિટ કૅમ્પના સૂચનના પગલે આગળ વધતા રહ્યા હતા જેમાં અમને સફળતા મળી ગઈ.’

(6:06 PM IST)