<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ડ્રેગનની નવી ચાલ: PoK અને અફઘાન સરહદ પાસે ચીને વસાવ્યું નવું શહેર!

વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વાખાન કોરિડોર પાસે ‘સાનલિંગ’ કાઉન્ટીની સ્થાપના: ઘૂસણખોરી રોકવાના બહાને સરહદી વિસ્તારોમાં ચીન મજબૂત કરી રહ્યું છે પકડ, ભારતે ‘તોફાની પ્રયાસ’ ગણાવીને ફટકાર્યું

નવી દિલ્હી: ચીને ફરી એકવાર સરહદી વિવાદને હવા આપતા શિનજિયાંગ પ્રાંતમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર  અને અફઘાનિસ્તાનની સરહદને અડીને ‘સાનલિંગ’ નામનું નવું શહેર (કાઉન્ટી) વસાવ્યું છે. આ વિસ્તાર કારાકોરમ પર્વતમાળાઓની અત્યંત નજીક છે અને વ્યૂહાત્મક રીતે અતિ સંવેદનશીલ ગણાતા વાખાન કોરિડોર સાથે જોડાયેલો છે. ચીનનો દાવો છે કે ઉઇગુર આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા અને સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરવા માટે આ વહીવટી એકમ બનાવવામાં આવ્યો છે. જોકે, સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ પગલું માત્ર સુરક્ષા પૂરતું સીમિત નથી, પરંતુ સરહદી વિસ્તારોમાં પોતાની વસ્તી અને વહીવટ વધારીને જમીન પચાવી પાડવાની ચીનની જૂની વ્યૂહરચનાનો ભાગ છે.

નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં ચીન દ્વારા શિનજિયાંગ સરહદે સ્થાપિત કરાયેલું આ ત્રીજું નવું શહેર છે. આ પહેલા તેણે ‘હેઇન’ અને ‘હેકાંગ’ કાઉન્ટીઓ બનાવી હતી, જેનો ભારતે સખત વિરોધ કર્યો હતો કારણ કે આ વિસ્તારોના કેટલાક ભાગો ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આવે છે. ખાસ કરીને ‘હેઇન’ કાઉન્ટીમાં અક્સાઈ ચીનનો મોટો હિસ્સો સમાવિષ્ટ છે, જે 1962થી ચીનના ગેરકાયદે કબજા હેઠળ છે. નવું ‘સાનલિંગ’ કાઉન્ટી ઐતિહાસિક કાશગર પ્રીફેક્ચર હેઠળ આવશે, જ્યાંથી અબજો ડોલરનો ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) શરૂ થાય છે. આ પ્રોજેક્ટ PoK માંથી પસાર થતો હોવાથી ભારત સતત તેનો વિરોધ કરતું રહ્યું છે.

ચીનની આ હરકત પર ભારતીય વિદેશ મંત્રાલયે આકરા તેવર બતાવ્યા છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારતના ભાગોને નવા કે કાલ્પનિક નામ આપવાના ચીનના તોફાની પ્રયાસો સત્યને બદલી શકશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ અને લદ્દાખના જે વિસ્તારો પર ચીન દાવો કરે છે, તે ભારતનો અવિભાજ્ય અંગ હતા, છે અને હંમેશા રહેશે. ચીનના આવા એકતરફી પગલાં બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને સુધારવાના પ્રયાસોને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચીનની આ ‘ગામ વસાવવાની નીતિ’ને અન્ય દેશોની સાર્વભૌમત્વ પરના હુમલા તરીકે જોવામાં આવે છે.

(7:09 PM IST)