News of Sunday, 12th April 2026
ડ્રેગનની ‘નામ બદલવાની’ નાપાક ચાલ: ભારતે ચીનને બતાવ્યો અરીસો, કહ્યું- "કાલ્પનિક નામોથી સત્ય બદલાશે નહીં"
અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાને ભારતીય વિદેશ મંત્રાલયે સખત શબ્દોમાં ફગાવ્યો: વારંવારના તોફાની પ્રયાસોને ભારતનો જડબાતોડ જવાબ, સંબંધો સુધારવાની વાત વચ્ચે ચીનની નવી ચાલબાજીથી રાજદ્વારી તણાવ વધ્યો

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદમાં વધુ એક વખત ગરમાવો આવ્યો છે. ચીન દ્વારા ભારતીય પ્રદેશો, ખાસ કરીને અરુણાચલ પ્રદેશના સ્થળોને 'કાલ્પનિક' અને 'બનાવટી' નામો આપવાના પ્રયાસ સામે ભારતે આકરા તેવર બતાવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ નોટમાં સ્પષ્ટ કર્યું છે કે ચીન દ્વારા કરવામાં આવતા આવા કોઈ પણ 'તોફાની પ્રયાસ' ભારતને માન્ય નથી. ભારતે ડ્રેગનને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે કે કાગળ પર નામ બદલી નાખવાથી જમીન પરની વાસ્તવિકતામાં કોઈ ફેરફાર આવતો નથી.
વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ સહિતના તમામ પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતા, છે અને હંમેશા રહેશે. ચીન દ્વારા પાયાવિહોણા કથાઓ ઘડવાના પ્રયાસો માત્ર ભ્રમ પેદા કરવા માટે છે, પરંતુ તે ઐતિહાસિક અને ભૌગોલિક સત્યને બદલી શકતા નથી. નિવેદનમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચીનની આવી હરકતોથી બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાના ચાલુ પ્રયાસોને સીધું નુકસાન પહોંચે છે. ચીને દ્વિપક્ષીય સમજણને નબળી પાડતી આવી નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ.
નોંધનીય છે કે ચીન 2017 થી સતત આ પ્રકારની હરકતો કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 2017, 2021, 2023 અને એપ્રિલ 2024 તેમજ મે 2025 માં ચીને અરુણાચલની નદીઓ, પર્વતો અને રહેણાંક વિસ્તારોના નામ બદલવાની યાદીઓ બહાર પાડી છે. તવાંગથી લઈને અંજાવ સુધીના જિલ્લાઓમાં ચીની અને તિબેટીયન નામો થોપવાના પ્રયાસોને ભારતે દરેક વખતે ફગાવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની વિસ્તારવાદી માનસિકતાનો પુરાવો છે, જેની સામે ભારત તેની પ્રાદેશિક અખંડિતતા જાળવી રાખવા માટે મક્કમતાથી ઊભું છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
