<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

શાંતિ મંત્રણામાં પુતિનની એન્ટ્રી: ઈરાન-અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવા રશિયા તૈયાર!

પાકિસ્તાનમાં યોજાયેલી વાટાઘાટોની નિષ્ફળતા બાદ વિશ્વમાં ચિંતાનું મોજું: પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી વાત

ઇસ્લામાબાદ:  પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યોજાયેલી ઈરાન-અમેરિકા શાંતિ વાટાઘાટો કોઈ પણ નક્કર પરિણામ વગર પૂરી થતા વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ નિષ્ફળતા બાદ હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મેદાનમાં ઉતરીને મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ફોન પર લાંબી ચર્ચા કરી અને મધ્ય પૂર્વમાં સ્થાયી શાંતિ માટે રશિયા તરફથી તમામ શક્ય રાજદ્વારી મદદની ખાતરી આપી છે. રશિયાની આ એન્ટ્રીએ પશ્ચિમી દેશોને પણ વિચારતા કરી દીધા છે, કારણ કે અત્યાર સુધી મધ્ય પૂર્વના મુદ્દાઓમાં રશિયાની ભૂમિકા ખૂબ જ મર્યાદિત હતી.

ઈરાન અને અમેરિકા વચ્ચેની આ મડાગાંઠ ઉકેલવા માટે પાકિસ્તાને લીધેલી પહેલની યુરોપિયન યુનિયન (EU) દ્વારા પ્રશંસા કરવામાં આવી છે, પરંતુ પરિણામ ન મળતા નિરાશા પણ વ્યક્ત થઈ છે. બ્રિટિશ સ્વાસ્થ્ય મંત્રી વેસ સ્ટ્રીટીંગે આ ઘટનાને ‘નિરાશાજનક’ ગણાવી હતી, જોકે તેમણે ઉમેર્યું હતું કે રાજદ્વારીમાં જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પ્રયાસો ચાલુ રાખવા અનિવાર્ય છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે પણ યુદ્ધવિરામ જાળવી રાખવા અને વાટાઘાટો ફરી શરૂ કરવા પર ભાર મૂક્યો છે. પાકિસ્તાન હજુ પણ આશાવાદી છે અને વિદેશ મંત્રી ઇશાક ડારે બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું વોશિંગ્ટન રશિયાની આ ઓફર સ્વીકારશે? યુક્રેન યુદ્ધને કારણે અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો વણસેલા છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચેની વાટાઘાટોમાં અમેરિકા અવારનવાર મધ્યસ્થીની ભૂમિકા ભજવતું આવ્યું છે. જો ઈરાન રશિયાના હસ્તક્ષેપ માટે તૈયાર થાય, તો અમેરિકા પર પણ વૈશ્વિક શાંતિના નામે નમતું જોખવાનું દબાણ આવી શકે છે. આગામી થોડા દિવસોમાં નક્કી થશે કે પુતિનનો આ ‘પીસ પ્લાન’ મધ્ય પૂર્વમાં સળગતી જ્વાળાઓને શાંત કરી શકશે કે પછી ઈસ્લામાબાદની જેમ મોસ્કોના પ્રયાસો પણ નિષ્ફળ રહેશે.

(7:13 PM IST)