<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

કેન્દ્રીય કર્મચારીઓને ખુશખબર :બાળકોના શિક્ષણ માટે મળશે વાર્ષિક 33,750 રૂપિયા: જાણો શું છે નવા નિયમો

જે બાળકો પોતાના ઘરથી દૂર કોઈ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે, તેમના માટે સરકાર અલગથી 8,437.5 રૂપિયા પ્રતિ માસની હોસ્ટેલ સબસિડી

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને મોટી રાહત આપી છે જેને ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (CEA) કહેવામાં આવે છે. હાલમાં જ સરકારે આ ભથ્થાને લઈને પ્રવર્તી રહેલી મૂંઝવણો દૂર કરવા માટે નવી માર્ગદર્શિકા (FAQs) જાહેર કરી છે, જેથી કર્મચારીઓને ક્લેમ લેવામાં કોઈ મુશ્કેલી ન પડે.

ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સનો સીધો ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓના બાળકોના અભ્યાસ, સ્કૂલ ડ્રેસ, પુસ્તકો અને હોસ્ટેલના ખર્ચમાં આર્થિક મદદ કરવાનો છે. હાલની માહિતી અનુસાર, હવે કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને પ્રતિ બાળક 2,812.5 રૂપિયા પ્રતિ માસ આપી રહી છે. વાર્ષિક ધોરણે જોઈએ તો આ રકમ પ્રતિ બાળક 33,750 રૂપિયા થાય છે.

આટલું જ નહીં, જે બાળકો પોતાના ઘરથી દૂર કોઈ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે, તેમના માટે સરકાર અલગથી 8,437.5 રૂપિયા પ્રતિ માસની હોસ્ટેલ સબસિડી પણ પ્રદાન કરે છે. ખાસ વાત એ છે કે, આ ભથ્થું ફિક્સ છે. એટલે કે તમારા બાળકની સ્કૂલ ફી ગમે તેટલી હોય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી 2,812.5 રૂપિયાની રકમ જ આપવામાં આવશે.

 

કયા બાળકો આ લાભ માટે પાત્ર હશે?
સરકારે આ યોજના માટે કેટલીક પાત્રતા શરતો નક્કી કરી છે, જે સમજવી જરૂરી છે:

  • વય મર્યાદા: સામાન્ય બાળકો માટે આ લાભ 21 વર્ષની વય સુધી મળે છે. જો બાળક દિવ્યાંગ હોય, તો વય મર્યાદા વધારીને 22 વર્ષ કરવામાં આવી છે.
  • બાળકોની સંખ્યા: આ લાભ પરિવારના માત્ર બે સૌથી મોટા બાળકો માટે જ મળવાપાત્ર છે. જો કે, જો બીજી પ્રસૂતિમાં જોડિયા બાળકો થાય, તો સરકાર તે તમામ બાળકો માટે ભથ્થું આપે છે.
  • ધોરણ અને કોર્સ: આ એલાઉન્સ નર્સરીથી લઈને 12મા ધોરણ સુધીના અભ્યાસ માટે મળે છે. આ ઉપરાંત 12મા ધોરણ પછી કરવામાં આવતા કોઈપણ 2 વર્ષના ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ માટે પણ ક્લેમ કરી શકાય છે.
  • શિક્ષણનું માધ્યમ: જો બાળક નિયમિત શાળાએ ન જતું હોય અને પત્રવ્યવહાર અથવા ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા અભ્યાસ કરતું હોય, તો પણ કર્મચારી આ રકમ મેળવવા માટે હકદાર છે.

રૂપિયા ક્લેમ કરવા માટે સૌથી મહત્વની શરત એ છે કે, બાળક જે શાળા કે સંસ્થામાં અભ્યાસ કરી રહ્યું છે તે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ. તે શાળા ભલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, CBSE, ICSE અથવા કોઈપણ અધિકૃત બોર્ડ સાથે જોડાયેલી હોય, તો જ તમે આ ભથ્થાનો લાભ લઈ શકશો.

 

 

 

(12:04 AM IST)