<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

શેલ દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર બની: મધ્ય-પૂર્વમાં તણાવ છતાં શેલે ભારતને અનેકઘણો પુરવઠો પુરો પાડ્યો

ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો, યુદ્ધના કારણે ભારતના સૌથી મોટા સપ્લાયર કતરથી પણ સપ્લાય ચેન અટકી પડી ત્યારે ભારત પોતાના પ્લાન મુજબ ગેસ પુરવઠો વધારવામાં સફળ થયું

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થવા છતાં હજુ પણ વિશ્વના અનેક દેશો ક્રૂડ ઓઈલના સંકટનો સામનો કરી રહ્યા છે. જ્યારે ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો, યુદ્ધના કારણે ભારતના સૌથી મોટા સપ્લાયર કતરથી પણ સપ્લાય ચેન અટકી પડી ત્યારે ભારત પોતાના પ્લાન મુજબ ગેસ પુરવઠો વધારવામાં સફળ થયું છે, જેના કારણે વિશ્વમાં ગેસ સપ્લાય કરતી સૌથી મોટી કંપની શેલ પબ્લિક લિમિટેડ કંપની (Shell PLC) દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર બની છે. મધ્ય-પૂર્વમાં તણાવ છતાં શેલે ભારતને અનેકઘણો પુરવઠો પુરો પાડ્યો છે.

રિપોર્ટ મુજબ મધ્ય-પૂર્વમાં સંકટ છતાં શેલ પીએલસીએ ભારતમાં LNGની સપ્લાય ઝડપી શરૂ કરી દીધી છે. શેલે ભારતના ફર્ટિલાઈઝર્સ સેક્ટરમાં મુખ્ય કોન્ટ્રાક્ટ મેળવવાની સાથે સ્પૉટ અને ટર્મ ડિમાન્ડનો મોટો હિસ્સો પણ મેળવી લીધો છે, જેના કારણે ભારતને ગેસનો પુરવઠો સતત મળતો રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ માર્ચ મહિનામાં ભારતીય ફર્ટિલાઈઝર કંપનીએ બહોળા પ્રમાણમાં જેટલું એલએનજી ખરીદ્યું હતું, તેમાં શેલ ટોપ સપ્લાયર તરીકે ઉભરી આવી છે.

હોર્મુઝ બંધ થવાના કારણે ખાડી દેશો તરફથી આવતો LNGનો પુરવઠો ખોરવાયો હતો, છતાં ભારત સરકારે યુરિયા ઉત્પાદન માટે કાચા માલની જરૂરિયાત પુરી કરાવ માટે ખૂબ જ મોટા જથ્થા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. ટેન્ડર મુજબ શેલે કુલ 6 ટીબીયુ (ટ્રિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ)માંથી 4 ટીબીયુનો કોન્ટ્રાક્ટ મેળવી લીધો છે. આનાથી શેલ ફર્ટિલાઈઝર કંપનીઓ સહિત અન્ય ઉદ્યોગો અને રિટેલ વેચાણકર્તાઓને પણ ગેસ પુરવઠો પુરો પાડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતને જેટલી નેચરલ ગેસની જરૂરિયાત હોય છે, તેમાંથી અડધો પુરવઠો આયાત કરવામાં આવે છે. તેનો ઉપયોગ ફર્ટિલાઈઝર પ્રોડક્શન, એનર્જી પ્રોડક્શન, ટ્રાન્સપોર્ટેશન માટે સીએનજી, ઘરોમાં પીએનજીની સપ્લાય માટે કરવામાં આવે છે. રિપોર્ટ મુજબ શેલ કંપનીઓ પાસે 65થી વધુ ચાર્ટર્ડ જહાજો છે.

મધ્ય-પૂર્વમાં વણસેલી સ્થિતિ અને ગેસ પુરવઠાની અછત વચ્ચે આ ગેસ સપ્લાયથી ભારતને મોટી મદદ મળી છે. જ્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધની શરૂઆત થઈ હતી, ત્યારે કતરના એનર્જી સાઈટ પર હુમલા થયા હતા, જેના કારણે કતરે ભારતની LNG નિકાસમાં 40 ટકા ઘટાડો કર્યો હતો. કતરમાં વિશ્વમાં સૌથી વધુ નેચરલ ગેસનું ઉત્પાદન થાય છે

(9:55 PM IST)