<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ભારત-યુકે વેપાર કરાર: હવે વિદેશી કાર અને સ્કોચ વ્હિસ્કીના ભાવમાં થશે મોટો ઘટાડો!

મે મહિનાના બીજા સપ્તાહથી અમલી બનશે ઐતિહાસિક CETA કરાર: 99% ભારતીય સામાન માટે બ્રિટિશ બજારના દરવાજા ખુલશે: જ્યારે ભારત પણ કાર અને લક્ઝરી વસ્તુઓ પરની આયાત ડ્યુટીમાં કરશે તોતિંગ કાપ

નવી દિલ્હી:  ભારત અને બ્રિટન વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તે ‘ભારત-યુકે મુક્ત વેપાર કરાર’ (FTA) મે મહિનાના બીજા અઠવાડિયાથી અમલમાં આવે તેવી પ્રબળ શક્યતા છે. ૨૪ જુલાઈ, ૨૦૨૫ના રોજ બંને દેશોએ ‘વ્યાપક આર્થિક અને વેપાર કરાર’ (CETA) પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર મુજબ, ભારતમાંથી બ્રિટન મોકલવામાં આવતા ૯૯% માલસામાન પર કોઈ પણ પ્રકારની ડ્યુટી લાગશે નહીં. આનાથી ભારતીય કાપડ, રત્ન-ઝવેરાત, ફૂટવેર અને રમકડાં ઉદ્યોગને બ્રિટિશ બજારમાં મોટું પ્લેટફોર્મ મળશે અને ૨૦૩૦ સુધીમાં બંને દેશો વચ્ચેનો વેપાર ૫૬ અબજ ડોલર સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.

આ કરારના અમલીકરણ સાથે જ ભારતીય ગ્રાહકો માટે અનેક વિદેશી ચીજવસ્તુઓ સસ્તી થશે. ખાસ કરીને લક્ઝરી કાર અને સ્કોચ વ્હિસ્કીના શોખીનો માટે આ લોટરી સમાન છે. સ્કોચ વ્હિસ્કી પર અત્યારે જે ૧૫૦% ટેક્સ લાગે છે, તે કરાર અમલમાં આવતાની સાથે જ ઘટીને ૭૫% થઈ જશે અને ૨૦૩૫ સુધીમાં તે માત્ર ૪૦% રહી જશે. તેવી જ રીતે, બ્રિટિશ કંપનીઓની પ્રીમિયમ કાર પરની આયાત ડ્યુટી ૧૧૦% થી ઘટાડીને આગામી પાંચ વર્ષમાં માત્ર ૧૦% કરવામાં આવશે. આ ઉપરાંત ચોકલેટ, બિસ્કિટ અને કોસ્મેટિક્સ જેવી કન્ઝ્યુમર આઈટમ્સ પર પણ ડ્યુટી ઘટતા તેના ભાવમાં ઘટાડો જોવા મળશે.

વેપારની સાથે સાથે આ કરાર કામદારો માટે પણ ખુશખબર લઈને આવ્યો છે. બંને દેશોએ ‘ડબલ કોન્ટ્રીબ્યુશન કરાર’ (DCC) પર હસ્તાક્ષર કર્યા છે, જેનો અર્થ છે કે કામચલાઉ ધોરણે વિદેશ જતા કામદારોએ બે વખત સોશિયલ ટેક્સ ચૂકવવો પડશે નહીં. ભારત માટે સૌથી મોટો ફાયદો એ છે કે આપણા ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહન ઉત્પાદકોને યુકેના માર્કેટમાં સીધો પ્રવેશ મળશે. આ ઐતિહાસિક પગલું માત્ર આર્થિક જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને પણ નવી ઊંચાઈએ લઈ જશે, જેનાથી લાખો નવી રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે.

(10:11 PM IST)