News of Monday, 13th April 2026
દારૂ પીવા પતિએ LPG સિલિન્ડર ગિરવી મૂકી દીધું
આખરે પત્નીનું દુખ જાણીને પોલીસે પતિ-પત્નીના ઘરેલુ મામલામાં વચ્ચે પડીને મામલો સુલઝાવ્યો

કાનપુર,તા.૧૩: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક દારૂડિયા પતિએ દારૂ પીવા માટે પૈસા નહોતા એટલે ઘરમાં રાખેલું ભરેલું સિલિન્ડર ગિરવી રાખી દીધું હતું. તેણે આ કામ કર્યું ત્યારે પત્ની પિયર ગઈ હતી. જોકે પત્ની પાછી આવી એ પછી ઘરમાં ગેસ-સિલિન્ડર ન હોવાથી પત્ની અને બાળકોને ભૂખે રહેવાનો વારો આવ્યો. બે દિવસ જેમતેમ જુગાડ કર્યા પછી આખરે પત્ની પતિએ કરેલા કાંડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ-સ્ટેશન ગઈ. તેણે પતિ વિરુદ્ધ ફરિયાદ લખાવી કે ૧૨૦૦ રૂપિયાના બદલામાં પતિએ સિલિન્ડર ગિરવી મૂકી દીધું છે અને એને કારણે બાળકો ભૂખ્યાં રહે છે. આખરે પત્નીનું દુખ જાણીને પોલીસે પતિ-પત્નીના ઘરેલુ મામલામાં વચ્ચે પડીને મામલો સુલઝાવ્યો હતો અને ફયુઅલની તંગીના સમયમાં સિલિન્ડર બીજાને આપી દેવાનો ગુનો નોંધવાની ધમકી આપીને પતિને ફરી આવું ન કરવાની ચેતવણી આપી હતી. પત્નીની બચતમાં ખૂટતા રૂપિયા ઉમેરીને પોલીસે ગિરવી મૂકેલું સિલિન્ડર છોડાવી આપ્યું હતું.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
