<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

"અમેરિકા-ઈઝરાયલને રોકો, દુનિયાને યુદ્ધથી બચાવો": પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ભારત, ચીન, રશિયાને ઈરાનની ખુલ્લી હાકલ

મુંબઈમાં ઈરાની કાઉન્સિલ જનરલ મોતલાધેનો હુંકાર — "ત્રણેય મહાશક્તિઓના પ્રયાસથી શાંતિ શક્ય, પણ અમેરિકા સમજતું નથી; ઈરાન શરતો સામે નહીં ઝૂકે, વાતચીત માટે હંમેશા તૈયાર"

મુંબઈ તા.૧૩ :  પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને ભારત, ચીન અને રશિયા જેવી વૈશ્વિક મહાશક્તિઓને સીધી અપીલ કરી છે કે તેઓ પોતાના રાજદ્વારી અને આર્થિક પ્રભાવનો ઉપયોગ કરીને અમેરિકા અને ઈઝરાયલ પર દબાણ લાવે, જેથી દુનિયાને મોટા યુદ્ધમાંથી ઉગારી શકાય. મુંબઈમાં ઈરાનના કાઉન્સિલ જનરલ સઈદ રજા મોસયેબ મોતલાધેએ ન્યૂઝ એજન્સી ANI સાથેની મુલાકાતમાં સ્પષ્ટ કહ્યું કે ઈરાન અમેરિકા દ્વારા થોપવામાં આવતી કોઈપણ શરત કે જોહુકમી સ્વીકારશે નહીં, પરંતુ શાંતિ માટે વાતચીતના દરવાજા હંમેશા ખુલ્લા રાખ્યા છે.

 

મોતલાધેએ ભારત, ચીન અને રશિયાની અત્યાર સુધીની કૂટનીતિના ખુલ્લા દિલે વખાણ કર્યા. તેમણે કહ્યું કે પોતાના વ્યૂહાત્મક અને આર્થિક હિતો જોખમમાં હોવા છતાં આ ત્રણેય દેશોએ સંઘર્ષમાં સીધી સૈન્ય દખલથી દૂર રહીને સાબિત કર્યું છે કે તેઓ ખરેખર શાંતિ ચાહે છે. ત્રણેય દેશોએ ન તો અમેરિકાના હુમલાને ન્યાયોચિત ગણાવ્યા કે તેનું સમર્થન કર્યું, અને ન તો તેઓ ઈરાનને સૈન્ય મદદ કરવાની સ્થિતિમાં આવ્યા. તેના બદલે તેમણે શાંતિને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક અર્થતંત્રને સ્થિર રાખવાના પ્રયાસો કર્યા. જોકે ઈરાની રાજદ્વારીએ અફસોસ સાથે ઉમેર્યું કે "એવું લાગે છે કે તેઓ હજી પણ અમેરિકાને સમજાવવામાં સફળ થઈ શક્યા નથી."

 

ઈરાનને હજી પણ આશા છે કે જો દુનિયાની આ ત્રણેય મહાશક્તિઓ સંયુક્ત રીતે પ્રયાસ કરે તો અમેરિકા અને ઈઝરાયલ પર અસરકારક દબાણ લાવી શકાય છે. મોતલાધેએ જણાવ્યું કે આ ત્રણેય દેશોએ અમેરિકાની યુદ્ધ ભડકાવનારી નીતિઓ પર લગામ લગાવવા અને ઈઝરાયલી શાસનના "કબજો અને જોરજબરદસ્તી કરવાવાળા અનૈતિક આચરણ" ને રોકવા માટે પોતાનો પ્રભાવ વાપરવો જોઈએ. તેમણે આને "મોટી વિડંબના" ગણાવી કે અમેરિકા અને ઈઝરાયલ આજે હત્યાને જ સમાધાન તરીકે રજૂ કરી રહ્યા છે. જ્યાં સુધી આ માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી વિશ્વને બેલગામ સંઘર્ષ અને યુદ્ધોન્માદનો સામનો કરવો પડશે.

 

અમેરિકા સાથેની સંભવિત વાટાઘાટો અંગે બોલતા મોતલાધેએ કહ્યું કે અમેરિકાની કૂટનીતિનો એકમાત્ર હેતુ ઈરાન પર શરતો થોપવાનો છે. "જો ઈરાનને અમેરિકાની શરતો માનવી હોત, તો અમને 40 દિવસનો સંઘર્ષ સહન કરવો ન પડત. ન અમારા પર આર્થિક બોજો પડત, ન ફારસની ખાડીના દેશોને મુશ્કેલી પડત, ન અમેરિકા અને યહૂદી શાસનને આ આર્થિક સંકટનો સામનો કરવો પડત." તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છે જે પોતાના નિર્ણયો ફક્ત રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને જ લે છે. "ઈરાન પહેલા પણ વાતચીત માટે તૈયાર હતું અને આજે પણ છે. પરંતુ દુનિયાની કોઈપણ શક્તિ અમારા પર હુકમ થોપી શકશે નહીં અને અમે તે ક્યારેય સ્વીકારીશું નહીં."

(3:31 PM IST)