News of Monday, 13th April 2026
અમેરિકાથી ડિફેન્સ આઇટમો નહીં ખરીદીએઃ કેનેડાએ ધોકો પછાડયો
કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ કરી ટ્રમ્પ સામે લાલ આંખ

ટોરેન્ટો,તા.૧૩: કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ એક મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ‘કેનેડાના સંરક્ષણ-બજેટના ૭૦ ટકા રકમ એટલે કે એક ડોલરના ૭૦ સેન્ટ અમેરિકા જતા હતા, કારણ કે કેનેડા ડિફેન્સની આઇટમો અમેરિકા પાસેથી ખરીદતું હતું, પણ હવે આમ કરવામાં આવશે નહીં. કેનેડાનાં નાણાં દેશમાં જ રહેશે અને કેનેડાના લોકો અને કેનેડાની કંપનીઓ પર ખર્ચ કરવામાં આવશે.'
માર્ક કાર્નીએ લિબરલ પાર્ટીના સંમેલનમાં કહ્યું હતું કે કેનેડાની સેના દ્વારા દરેક ડોલરના ૭૦ સેન્ટ અમેરિકા મોકલવાના દિવસો પૂરા થઈ ગયા છે.
માર્ક કાર્નીએ કેનેડાના લોકોને કેનેડામાં બનેલી આઇટમો ખરીદવાની સલાહ આપી છે. સરકાર હવે કંઈ પણ ખરીદવાનું હશે તો પહેલાં કેનેડાની કંપનીઓ અને કેનેડાના સપ્લાયરોને મોકો આપશે. અમેરિકી કંપનીઓને એ ફાયદો નહીં મળે જે પહેલાં મળતો હતો.
ટ્રમ્પે કેનેડા પર અનેક જાતની ટેરિફ લગાડી દીધી છે. આના જવાબમાં માર્ક કાર્ની એ દર્શાવવા માગે છે કે તેઓ પોતાના દેશના હિતના રક્ષણ માટે કડક નિર્ણયો લઈ શકે છે. તેમણે કહ્યું હતું કે ‘હું કેનેડાના લોકો સાથે ઊભો છું. નવી સરકાર પણ લોકો સાથે છે. કેનેડાને મજબૂત બનાવવા માટે કેનેડાનાં લાકડાં, સ્ટીલ અને ઍલ્યુમિનિયમ ખરીદવામાં આવશે. મજૂરો પણ કેનેડાના હશે.'
કેનેડા પોતાની સેના માટે હથિયાર, ગાડીઓ, જહાજ, મિસાઇલ કે બીજો સામાન ખરીદતું હતું તો એ અમેરિકાની કંપનીઓ પાસેથી લેતું હતું. કેનેડાના સંરક્ષણ-બજેટનો ૭૦ ટકા હિસ્સો એટલે કે એક ડોલરના ૭૦ સેન્ટ અમેરિકાની કંપનીઓને જતા હતા. અમેરિકાની કંપનીઓ કેનેડા માટે સામાન બનાવતી હતી, પણ હવે આ બંધ થશે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
