જાપાનમાં રહેવું હવે બનશે મોંઘું: વિઝા રિન્યુઅલ અને પરમેનન્ટ રેસિડન્સી ફીમાં અધધ વધારો, વિદેશીઓના ખિસ્સા ખાલી થશે!
ઇમિગ્રેશન કાયદામાં મોટા ફેરફારની તૈયારી: કાયમી રહેઠાણની પરમિટ માટે હવે ૨ લાખ યેન સુધીનો ખર્ચ કરવો પડશે, સરકારે ફીની મહત્તમ મર્યાદા વધારી

ટોક્યો | તા. 13: જાપાનમાં સ્થાયી થવાનું કે લાંબા સમય સુધી રહેવાનું સપનું જોતા વિદેશી નાગરિકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. જાપાન સરકાર તેના ઇમિગ્રેશન કંટ્રોલ એક્ટમાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે, જેના કારણે વિઝા રિન્યુઅલ અને કાયમી રહેઠાણ (PR) માટેની ફીમાં અનેકગણો વધારો થવાની શક્યતા છે. બદલાતી વહીવટી જરૂરિયાતો અને ઇમિગ્રેશન નીતિઓને વધુ સઘન બનાવવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.
PR પરમિટ ફીમાં સીધો ૨૦ ગણો વધારો
સૌથી મોટો ફટકો કાયમી રહેઠાણની પરમિટ મેળવવા ઈચ્છતા લોકોને પડશે. હાલમાં સ્થાયી રહેઠાણ માટે માત્ર ૧૦,૦૦૦ યેન લેવામાં આવે છે, જે નવા પ્રસ્તાવ મુજબ વધીને આશરે ૨,૦૦,૦૦૦ યેન (અંદાજે ૧.૧૦ લાખ રૂપિયાથી વધુ) થઈ શકે છે. સરકારે આ માટેની મહત્તમ ફી મર્યાદા ૩,૦૦,૦૦૦ યેન સુધી રાખવાની મંજૂરી માગી છે, જેનો અર્થ છે કે ભવિષ્યમાં આ ખર્ચ હજુ પણ વધી શકે છે.
પાંચ વર્ષના વિઝા રિન્યુઅલ માટે હવે હજારોનો ખર્ચ
માત્ર PR જ નહીં, પણ નિયમિત વિઝા રિન્યુઅલ પ્રક્રિયા પણ મોંઘી બનશે. અત્યાર સુધી રોકાણના સમયગાળાને ધ્યાનમાં લીધા વગર માત્ર ૬,૦૦૦ યેન ફી વસૂલવામાં આવતી હતી. જોકે, નવા નિયમો હેઠળ:
• પાંચ વર્ષના વિઝા: રિન્યુઅલ ફી વધીને આશરે ૭૦,૦૦૦ યેન ($૪૪૦) થશે.
• ટૂંકા ગાળાના વિઝા (૩ મહિના): રિન્યુઅલ માટે આશરે ૧૦,૦૦૦ યેન ચૂકવવા પડશે.
સરકારનો તર્ક અને રાહતની જોગવાઈ
જાપાનની ઇમિગ્રેશન સર્વિસીસ એજન્સીના જણાવ્યા અનુસાર, વહીવટી અને નિયમનકારી ખર્ચને પહોંચી વળવા માટે ફીનું માળખું સુધારવું જરૂરી છે. જોકે, સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે અરજદારો ગંભીર આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હશે, તેમના માટે ફીમાં ઘટાડો અથવા સંપૂર્ણ મુક્તિ જેવી જૂની જોગવાઈઓ યથાવત રાખવામાં આવશે.
આ પ્રસ્તાવિત ફેરફારો જાપાનના સંસદના નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે. જો આ સુધારો પસાર થઈ જશે, તો જાપાનમાં રહેતા લાખો વિદેશી શ્રમિકો અને વ્યાવસાયિકો માટે આર્થિક બોજમાં મોટો વધારો થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
