<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

હજ યાત્રાળુઓની સુવિધામાં બેદરકારી દાખવનાર હોટલ સંચાલકોની ખેર નથી: સાઉદી સરકારે દંડમાં કર્યો અધધ વધારો, લાયસન્સ પણ થશે રદ

મક્કા અને મદીનામાં આતિથ્ય સેવાઓ માટે નવા કડક નિયમો લાગુ: પાંચ સ્ટાર હોટલથી લઈ નાના રહેઠાણો માટે અલગ-અલગ દંડની જોગવાઈ, વારંવાર ભૂલ કરનારનું એકમ થશે સીલ

મક્કા | તા. 13: પવિત્ર હજ યાત્રા દરમિયાન મક્કા અને મદીના આવતા લાખો યાત્રાળુઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટે સાઉદી અરેબિયાના પર્યટન મંત્રાલયે કમર કસી છે. સરકારે આતિથ્ય સેવા (Hospitality) પૂરી પાડતા સંચાલકો માટે નવા અને અત્યંત કડક નિયમોની જાહેરાત કરી છે. હવે જો કોઈ હોટલ કે રહેઠાણ પ્રદાતા યાત્રાળુઓની સેવામાં ઉણપ રાખશે અથવા નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમને ભારે આર્થિક દંડની સાથે ધંધો બંધ કરવાની પણ નોબત આવી શકે છે.
ભૂલ કરી તો બમણો દંડ અને જેલ જેવી સ્થિતિ
નવા નિયમો મુજબ, જો કોઈ સેવા પ્રદાતા એક જ સીઝનમાં બીજી વાર ભૂલ કરશે, તો તેનો દંડ બમણો કરી દેવામાં આવશે. આ સુધારેલા માળખામાં માત્ર આર્થિક દંડ જ નહીં, પરંતુ ગંભીર કિસ્સાઓમાં લાયસન્સ રદ કરવાની અને એકમને કામચલાઉ ધોરણે સીલ કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. ખાસ કરીને ધુલ કાહ મહિનાની શરૂઆતથી મધ્ય મોહરમ સુધી, જ્યારે ભીડ સૌથી વધુ હોય છે, ત્યારે આ નિયમોનું પાલન કડક રીતે કરાવવામાં આવશે.
વ્યવસાયના કદ પ્રમાણે દંડનું માળખું
સાઉદી સરકારે આતિથ્ય સુવિધાઓને પાંચ અલગ-અલગ શ્રેણીઓમાં વહેંચી છે. દંડની રકમ સંસ્થાના કદના આધારે નક્કી થશે:
•    મોટા સંચાલકો: ૧૦૦% દંડ
•    મધ્યમ ઉદ્યોગો: ૭૫% દંડ
•    નાના ઉદ્યોગો: ૫૦% દંડ
•    સૂક્ષ્મ ઉદ્યોગો: ૨૫% દંડ
મક્કા અને મદીનામાં નાણાકીય દંડ SR ૨,૦૦૦ થી SR ૧૪,૦૦૦ (સાઉદી રિયાલ) ની વચ્ચે રહેશે. જોકે, હજ માટેના ખાસ કામચલાઉ રહેઠાણો માટે આ દંડની રકમ SR ૫૦,૦૦૦ સુધી પણ જઈ શકે છે.
ગ્રેડેડ અમલીકરણ પ્રણાલી
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગ્રેડેડ એન્ફોર્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરશે. એટલે કે, ગુનાની ગંભીરતા અને તે કેટલી વાર પુનરાવર્તિત થયો છે તેના આધારે દંડની મહત્તમ મર્યાદા નક્કી કરાશે. ત્રીજી વખત નિયમ તોડનારનું લાયસન્સ કાયમી ધોરણે રદ થઈ શકે છે. સાઉદી સરકારના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય હજ સીઝન દરમિયાન સેવાની ગુણવત્તા જાળવી રાખવાનો અને વિશ્વભરમાંથી આવતા મહેમાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

(3:52 PM IST)