<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

મોતની ડણક વચ્ચે માછીમારોની વતન વાપસી: 'અમારી સામે 20-20 બોમ્બ પડતા હતા', ઈરાનના જંગના મેદાનમાંથી ભારતીયોનું દિલધડક રેસ્ક્યૂ

વડાપ્રધાન મોદીના આદેશથી વિદેશ મંત્રાલયે સંકટમાં ફસાયેલા 600 થી વધુ માછીમારોને ઉગાર્યા: વલસાડના રાજેશ પટેલ સહિતના માછીમારોએ વ્યક્ત કર્યો સરકારનો આભાર

ચેન્નાઈ | તા. 13: પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ અને અંધાધૂંધી વચ્ચે ઈરાનમાં ફસાયેલા ભારતીય માછીમારો માટે ભારત સરકાર 'દેવદૂત' બનીને આવી છે. ઈરાનના કિરુ પ્રદેશમાં છેલ્લા ચાર વર્ષથી રોજીરોટી માટે ગયેલા સેંકડો માછીમારો યુદ્ધની આગમાં ફસાયા હતા, જેમને તેહરાન અને આર્મેનિયામાં સ્થિત ભારતીય દૂતાવાસોના સંકલિત પ્રયાસો દ્વારા સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવ્યા છે.
'રોજ આંખ સામે પડતા હતા બોમ્બ'
વતન પરત ફરેલા માછીમારોએ ઈરાનનો ભયાનક અનુભવ વર્ણવતા કહ્યું કે ત્યાંની સ્થિતિ કલ્પના બહારની અસ્તવ્યસ્ત હતી. તમિલનાડુના કુડ્ડલોરના એક માછીમારે ધ્રૂજતી રાડે જણાવ્યું કે, "અમે મોતની મુઠ્ઠીમાં હતા. દરરોજ અમારી નજર સામે 10 થી 20 બોમ્બ પડતા હતા. અમે જીવ હથેળીમાં રાખીને દિવસો વિતાવ્યા છે. જો ભારત સરકારે મદદ ન કરી હોત તો અમે કદાચ ક્યારેય પાછા ન આવી શક્યા હોત."
વલસાડના રાજેશ પટેલની આપવીતી
ગુજરાતના વલસાડના રહેવાસી રાજેશ પટેલે જણાવ્યું કે, "હું ઈરાનના કિરુ ક્ષેત્રમાં કામ કરતો હતો. અચાનક સ્થિતિ એટલી બગડી કે અમારે બધું છોડીને ભાગવું પડ્યું. ભારતીય દૂતાવાસે દરેક રાજ્યમાં સહાય કેન્દ્રો બનાવ્યા હતા. અમને આર્મેનિયાના રસ્તે ભારત પહોંચાડવામાં આવ્યા. સરકારની આ મદદ માટે અમે હંમેશા ઋણી રહીશું."
PM મોદીના નિર્દેશથી 600થી વધુ માછીમારોનું રેસ્ક્યૂ
શનિવારે મોડી રાત્રે જ્યારે માછીમારોની બેચ ચેન્નાઈ એરપોર્ટ પર ઉતરી ત્યારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગોયલે પત્રકારોને જણાવ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે એક પણ ભારતીય કટોકટીમાં ન રહેવો જોઈએ. અત્યાર સુધીમાં 600 થી વધુ માછીમારોને સુરક્ષિત લાવવામાં આવ્યા છે. કુલ 2,180 ભારતીય નાગરિકોને ઈરાનથી આર્મેનિયા અને અઝરબૈજાનના રસ્તે સલામત બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે."
પરત ફરેલા માછીમારોમાં મુખ્યત્વે ગુજરાત, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીના શ્રમિકોનો સમાવેશ થાય છે. એરપોર્ટ પર પોતાના પરિજનોને મળતા માછીમારોની આંખોમાં હર્ષના આંસુ અને સરકાર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી જોવા મળી હતી.

(3:52 PM IST)