<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

'સંસદ નવો ઇતિહાસ રચવાની નજીક...', નારી શક્તિ વંદન સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મોટું નિવેદન

'નારી શક્તિ વંદન અધિનિયમ'ને 21મી સદીનો ક્રાંતિકારી નિર્ણય ગણાવ્યો : 2029 સુધીમાં મહિલા અનામત લાગુ કરવાના લક્ષ્ય સાથે સંસદનું ખાસ સત્ર, ચાર દાયકાની પ્રતીક્ષાનો આવશે અંત

નવી દિલ્હી તા.૧૩ :  ભારતના લોકશાહી ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત 'નારી શક્તિ વંદન સંમેલન'માં મહિલા અનામતને લઈને અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે "સંસદ નવો ઇતિહાસ રચવાની નજીક છે" અને 'નારી શક્તિ વંદન અધિનિયમ'ને માત્ર રાજકીય સુધારો નહીં, પરંતુ 21મી સદીનો સૌથી મોટો અને ક્રાંતિકારી નિર્ણય ગણાવ્યો છે.

 

પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત જ્યારે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે મહિલાઓની ભાગીદારી વગર તે અશક્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "આ નિર્ણય દેશની માતાઓ અને બહેનોના સન્માન અને સામર્થ્યને સમર્પિત છે." તેમના મતે આ કાયદો ભારતીય લોકશાહીને વધુ મજબૂત અને સર્વસમાવેશક બનાવશે. 2029 સુધીમાં મહિલા અનામત લાગુ કરવાના લક્ષ્ય સાથે સંસદનું ખાસ સત્ર બોલાવાયું છે.

 

વડાપ્રધાને નોંધ્યું કે મહિલાઓને સંસદ અને વિધાનસભાઓમાં અનામત આપવાની ચર્ચા છેલ્લા ચાર દાયકાથી ચાલી રહી હતી. અનેક સરકારો આવી અને ગઈ, પરંતુ આ આકાંક્ષા પૂરી થઈ ન હતી. તેમણે યાદ અપાવ્યું કે 2023માં જ્યારે નવા સંસદ ભવનમાં આ બિલ રજૂ થયું, ત્યારે તમામ પક્ષોએ તેને આવકાર્યું હતું. હવે દાયકાઓની પ્રતીક્ષાનો અંત આવી રહ્યો છે અને તે સ્વપ્ન સાકાર થવાની કગાર પર છે.

(4:03 PM IST)