ભારતીય દોડવીરનો 'સુપરમેન' અવતાર: સાવન બરવાલે મેરેથોનમાં તોડ્યો 48 વર્ષ જૂનો રેકોર્ડ, એથ્લેટિક્સમાં સર્જાયો નવો ઇતિહાસ
નેધરલેન્ડની ધરતી પર હિમાચલના યુવાને વગાડ્યો ભારતનો ડંકો: શિવનાથ સિંહનો અજેય મનાતો રાષ્ટ્રીય રેકોર્ડ ધરાશાયી, પ્રથમ મેરેથોનમાં જ કરી કમાલ

રોટરડેમ (નેધરલેન્ડ): ભારતીય એથ્લેટિક્સના ઇતિહાસમાં રવિવારનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના જોગીન્દર નગરના વતની સાવન બરવાલે નેધરલેન્ડમાં આયોજિત પ્રતિષ્ઠિત 'રોટરડેમ મેરેથોન' માં અકલ્પનીય પ્રદર્શન કરીને ૪૮ વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાખ્યો છે. સાવને ૪૨.૧૯૫ કિલોમીટરનું અંતર માત્ર ૨ કલાક ૧૧ મિનિટ અને ૫૮ સેકન્ડમાં કાપીને ભારતીય એથ્લેટિક્સમાં નવો આયામ સ્થાપિત કર્યો છે.
શિવનાથ સિંહનો ઐતિહાસિક રેકોર્ડ ધ્વસ્ત
વર્ષ ૧૯૭૮માં ભારતના દિગ્ગજ દોડવીર શિવનાથ સિંહે ૨ કલાક ૧૨ મિનિટનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. છેલ્લા સાડા ચાર દાયકાથી અનેક દોડવીરો આવ્યા અને ગયા, પરંતુ આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નહોતું. સાવન બરવાલે આ લાંબા ઇન્તજારનો અંત લાવીને શિવનાથ સિંહના રેકોર્ડને ભૂતકાળ બનાવી દીધો છે. આ રેસમાં બીજા ભારતીય દોડવીર ગોપી થોનાકલ ૨૩માં સ્થાને રહ્યા હતા.
પ્રથમ જ મેરેથોનમાં આશ્ચર્યજનક સિદ્ધિ
સાવન બરવાલની આ જીત એટલા માટે વિશેષ છે કારણ કે રોટરડેમ મેરેથોન તેની કારકિર્દીની સૌપ્રથમ સત્તાવાર મેરેથોન હતી. આ પહેલા તેણે ક્યારેય પૂર્ણ મેરેથોન દોડમાં ભાગ લીધો નહોતો. ૨૮ વર્ષના સાવને સાબિત કરી દીધું કે જો મનમાં નિશ્ચય હોય તો પ્રથમ પ્રયાસમાં જ પહાડ જેવી સિદ્ધિ હાંસલ કરી શકાય છે. તે આ એલિટ રેસમાં વિશ્વભરના દિગ્ગજ દોડવીરો વચ્ચે ૨૦માં સ્થાને રહ્યો હતો.
સખત મહેનત અને મંડીનું ગૌરવ
હિમાચલના મંડીના નાના એવા ગામમાંથી આવતા સાવને વર્ષો સુધી દિલ્હી હાફ મેરેથોન અને કોલકાતા ૨૫-કે જેવી દોડમાં ભાગ લઈને પોતાની ક્ષમતા સાબિત કરી છે. જાન્યુઆરી ૨૦૨૪માં તેણે દિલ્હી હાફ મેરેથોનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાવનની આ ઐતિહાસિક સિદ્ધિથી હિમાચલ પ્રદેશ સહિત સમગ્ર દેશમાં આનંદની લહેર છવાઈ ગઈ છે અને તે હવે ભારતીય લાંબા અંતરની દોડનો નવો ચહેરો બની ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
