કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
અવકાશમાં 'પ્લમ્બર' બન્યા અવકાશયાત્રીઓ: $23 મિલિયન (આશરે ₹190 કરોડ) ના શૌચાલયે આર્ટેમિસ-II મિશનમાં સર્જી મુસીબત
બ્રહ્માંડના રહસ્યો ઉકેલવા નીકળેલા વૈજ્ઞાનિકો પેશાબની જામ થયેલી પાઈપો સામે લડ્યા: ઝીરો ગ્રેવીટીમાં શૌચાલય ખરાબ થતાં અવકાશયાત્રીઓએ ભોગવવી પડી દુર્ગંધ

નવી દિલ્હી | તા. 13: જ્યારે આપણે અવકાશ મિશનની વાત કરીએ છીએ, ત્યારે મનમાં રોકેટ, સેટેલાઇટ અને તારાઓના ચિત્રો ઉપસે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કરોડો ડોલરના આ મિશનમાં સૌથી મોટી સમસ્યા શું હોઈ શકે? જવાબ છે - શૌચાલય. આર્ટેમિસ-II મિશનમાં ૨૩ મિલિયન ડોલરના ખર્ચે બનેલું અત્યાધુનિક શૌચાલય જ્યારે અધવચ્ચે ખરાબ થયું, ત્યારે અવકાશયાત્રીઓની હાલત કફોડી થઈ ગઈ હતી.
એપ્રિલ ફૂલની ક્રૂર મજાક જેવી શરૂઆત
૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ લોન્ચ થયેલા આ મિશનમાં ગણતરીના કલાકોમાં જ શૌચાલયનો પંખો જામ થઈ ગયો અને પંપમાં પાણી ખૂટી ગયું. મિશન સ્પેશિયાલિસ્ટ ક્રિસ્ટીના કોચે આ તકનીકી ખામીને સુધારીને પોતાના નામે 'સ્પેસ પ્લમ્બર'નું બિરુદ મેળવ્યું હતું. જોકે, મુસીબત અહીં પૂરી નહોતી થઈ. ત્રીજા દિવસે પેશાબ બહાર ફેંકવાની પાઈપમાં પ્રવાહી જામી જતાં સિસ્ટમ બ્લોક થઈ ગઈ હતી, જેને સૂર્યની ગરમી સામે રાખીને માંડ પીગળાવવામાં આવી હતી.
દુર્ગંધ અને 'અજ્ઞાત' મુસાફરોની માથાકૂટ
અવકાશમાં ગુરુત્વાકર્ષણ હોતું નથી, તેથી કચરો નીચે બેસવાને બદલે હવામાં તરતો રહે છે. આર્ટેમિસના ક્રૂ મેમ્બર્સને કેબિનમાં વિચિત્ર સળગતી ગંધનો સામનો કરવો પડ્યો હતો. ઈતિહાસ સાક્ષી છે કે અવકાશમાં શૌચાલયની સમસ્યાઓ ઘણી જૂની છે. ૧૯૬૯ના એપોલો-૧૦ મિશન દરમિયાન તો હવામાં તરતા માનવ મળ (UFT) ને કારણે અવકાશયાત્રીઓ વચ્ચે દલીલો પણ થઈ હતી કે "આ કોનું છે?", પરંતુ કોઈએ જવાબદારી સ્વીકારી નહોતી!
ચંદ્ર પર કચરાની ૯૬ બેગ
તમને જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધીના વિવિધ એપોલો મિશન દરમિયાન ચંદ્રની સપાટી પર માનવ કચરાની ૯૬ બેગ છોડવામાં આવી છે. ચંદ્ર પર પેશાબ કરનાર પ્રથમ વ્યક્તિ બઝ એલ્ડ્રિન હતા, જોકે તેમનું કલેક્શન ડિવાઈસ તૂટી જતાં તેમને પગરખાંમાં પેશાબ ભરાયેલી હાલતમાં જ ચંદ્ર પર ચાલવું પડ્યું હતું.
શા માટે મોંઘા હોય છે આ શૌચાલય?
પૃથ્વી પર શૌચાલય ગુરુત્વાકર્ષણને કારણે સરળતાથી કામ કરે છે, પણ અવકાશમાં કચરાને ખેંચવા માટે વેક્યૂમ સિસ્ટમ અને હવાના પ્રવાહનો ઉપયોગ કરવો પડે છે. આ પ્રક્રિયા અત્યંત જટિલ અને ખર્ચાળ છે. આર્ટેમિસ-II માં વપરાયેલું UWMS શૌચાલય અત્યાર સુધીનું સૌથી વૈભવી માનવામાં આવે છે, છતાં તે માનવ ભૂલ કે તકનીકી ખામીથી પર નથી.
ખગોળ ભૌતિકશાસ્ત્રી રુદ્ર અબીરામી સુદર્શન જણાવે છે કે, અવકાશ મિશનને યાદો નહીં પણ શૌચાલય 'બનાવે છે કે તોડે છે'. ભવિષ્યના મિશનો માટે પ્લમ્બિંગ સેવાઓમાં 'મોટી છલાંગ' લગાવવી હજુ બાકી છે!









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
