News of Monday, 13th April 2026
ઈરાન-અમેરિકા યુદ્ધના ૪૪માં દિવસે વિસ્ફોટક સ્થિતિ : અમેરિકાએ ઈરાનના બંદરોની કરી નાકાબંધી : ક્રૂડ ઓઈલ ૧૦૪ ડોલરને પાર
ઈરાને અમેરિકાના પગલાંને ‘સમુદ્રી ચાંચિયાગીરી’ ગણાવી ખાડીના તમામ બંદરો અસુરક્ષિત કરવાની આપી ધમકી : એશિયાના શેરબજારોમાં કડાકો : જર્મનીમાં ઈંધણના ટેક્સમાં કરાયો ઘટાડો

વોશિંગ્ટન: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ૪૪માં દિવસે વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રમાં મોટી હલચલ મચી ગઈ છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાત મુજબ ૧૩ એપ્રિલના રોજ સવારે ૧૦ વાગ્યાથી ઈરાનના તમામ દરિયાઈ બંદરોની નાકાબંધી શરૂ કરી દેવામાં આવી છે. અમેરિકી નૌસેના હવે ઈરાન જનારા અથવા ત્યાંથી આવતા તમામ જહાજોને રોકશે. આ પગલાંને કારણે ખાડી દેશોમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
બજારમાં ગભરાટ અને મોંઘવારીનો માર:
અમેરિકા દ્વારા નાકાબંધીની જાહેરાત થતાની સાથે જ વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો છે. ક્રૂડ ઓઈલની કિંમત ૮.૭% ના ઉછાળા સાથે ૧૦૪.૮ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે, જે યુદ્ધ શરૂ થયા પહેલા માત્ર ૬૭ ડોલર હતી. જાપાનનો નિક્કેઈ ૧%, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૧.૧% અને હોંગકોંગનો હેંગસેંગ ૧.૫% જેટલો ગગડ્યો છે. એનર્જી સંકટને પહોંચી વળવા જર્મનીના ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ૧૭ યુરો સેન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. યુરોપમાં ગેસના ભાવમાં પણ ૬૦-૭૦% નો તોતિંગ વધારો ઝીંકાયો છે.
ઈરાનનો વળતો પ્રહાર અને ધમકી:
ઈરાનના સશસ્ત્ર દળોએ અમેરિકાની આ નાકાબંધીને ગેરકાનૂની અને 'સમુદ્રી ચાંચિયાગીરી' ગણાવી છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ ખુલ્લી ધમકી આપી છે કે જો ઈરાનના બંદરો જોખમમાં મુકાશે તો પર્શિયન ગલ્ફ અને ઓમાનના અખાતમાં સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, કુવૈત અને બહેરીનના બંદરો પણ સુરક્ષિત રહેશે નહીં. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈના સલાહકાર અલી અકબર વેલાયતીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુનીની ચાવી ઈરાનના હાથમાં જ રહેશે.
સંધિ વચ્ચે સંઘર્ષની સ્થિતિ:
વિચિત્ર સ્થિતિ એ છે કે એકબાજુ રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુદ્ધવિરામ સફળ હોવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી બાજુ નાકાબંધી લાદવામાં આવી રહી છે. યુદ્ધવિરામ હોવા છતાં હોર્મુઝમાંથી જહાજોની અવરજવર ૧૩૦ થી ઘટીને માત્ર ૧૭ રહી ગઈ છે. હાલમાં ૨૩૦ લોડેડ ઓઈલ ટેન્કરો ખાડીમાં અટવાયેલા છે. બીજી તરફ, વોશિંગ્ટનમાં ઈઝરાયેલ અને લેબેનોનના રાજદ્વારીઓ વચ્ચે વાતચીત થવાની છે, જેમાં ઈઝરાયેલ હિઝબુલ્લાહના નિઃશસ્ત્રીકરણની માંગ કરી રહ્યું છે. આગામી ૯ દિવસમાં એટલે કે ૨૨ એપ્રિલે યુદ્ધવિરામ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે વિશ્વની નજર આ સંઘર્ષ કઈ દિશામાં વળશે તેના પર ટકેલી છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
