<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વચ્ચે ભારતની 'ગલ્ફ ડિપ્લોમસી': ઈંધણ પુરવઠો રાખવા અને નાગરિકોની સુરક્ષા માટે નવી દિલ્હી એક્શન મોડમાં

દેશમાં LPG ની કોઈ અછત નહીં સર્જાય, ઘરવપરાશના ગેસનો 100% પુરવઠો સુરક્ષિત: પર્સિયન ગલ્ફમાં ફસાયેલા ભારતીય નાવિકો સલામત હોવાની કેન્દ્ર સરકારની ખાતરી

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને સપ્લાય ચેઇનમાં અવરોધની આશંકાઓ વચ્ચે ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપી છે. નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય આંતર-મંત્રાલય બ્રીફિંગમાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકાર પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને ગલ્ફ દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવી રહી છે જેથી ભારતની ઉર્જા સુરક્ષા અને નાગરિકોના હિતોનું રક્ષણ કરી શકાય.
LPG પુરવઠો સામાન્ય, ડરવાની જરૂર નથી
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશભરમાં ઘરવપરાશના LPGનો પુરવઠો 100% સામાન્ય છે અને ક્યાંય પણ ગેસની અછત (ડ્રાયઆઉટ) નથી. સરકારે ગેસના કાળાબજાર રોકવા માટે OTP આધારિત ડિલિવરી સિસ્ટમ મજબૂત કરી છે. નોંધનીય છે કે ૧૪ માર્ચથી અત્યાર સુધીમાં ૧.૮૨ લાખ ટનથી વધુ વાણિજ્યિક LPGનું વેચાણ થયું છે, અને તેનો સપ્લાય પણ હવે ૭૦% સુધી પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે.
ભારતીય નાવિકો સુરક્ષિત, 'જગ વિક્રમ' કંડલા પહોંચશે
બંદરો અને શિપિંગ મંત્રાલયે મોટી અપડેટ આપતા જણાવ્યું કે પર્સિયન ગલ્ફમાં હાજર તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે. ૨૦,૪૦૦ મેટ્રિક ટન LPG લઈને આવી રહેલું ભારતીય જહાજ 'જગ વિક્રમ' ૨૪ નાવિકો સાથે આવતીકાલે ગુજરાતના કંડલા બંદરે પહોંચશે. વિદેશ મંત્રાલયના અધિક સચિવ આસેમ આર. મહાજને ખાતરી આપી છે કે ભારતીય મિશન આ વિસ્તારમાં જહાજો પર હાજર ભારતીય ક્રૂ સભ્યોના સતત સંપર્કમાં છે.
ઇલેક્ટ્રિક વાહનો અને ટ્રક-બસ માટે રાહત
પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે સપ્લાય ચેઇનમાં સર્જાયેલી સમસ્યાઓને જોતા સરકારે મહત્વના નિર્ણયો લીધા છે. PM E-DRIVE યોજના હેઠળ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરની સબસિડી માર્ચ ૨૦૨૮ સુધી લંબાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રક અને બસો માટેના ઉત્પાદન માર્ગદર્શિકામાં પણ ૬ મહિનાની છૂટછાટ આપવામાં આવી છે, જેથી ઉદ્યોગો પર દબાણ ઓછું થાય.
જયશંકરની UAE મુલાકાત અને વ્યૂહાત્મક પહોંચ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત ગલ્ફ દેશો સાથે સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તાજેતરમાં જ UAEની મુલાકાત લઈને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ત્યાં વસતા ભારતીય સમુદાયની સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા માટે સહયોગ સાધવાનો હતો.

(6:48 PM IST)