કેજરીવાલનો હાઈકોર્ટના જજ સામે મોરચો: "તમે RSS-ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપી છે, શું મને ન્યાય મળશે?" – અદાલતમાં મચ્યો ખળભળાટ
દારૂ નીતિ કેસમાં નિષ્પક્ષતા અંગે કેજરીવાલે ઉઠાવ્યા ગંભીર સવાલો: "ધારણા મહત્વપૂર્ણ છે" કહી જસ્ટિસ સ્વર્ણકાંત શર્માને સુનાવણીથી દૂર રહેવા કરી વિનંતી

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે દિલ્હી હાઈકોર્ટમાં એક સનસનાટીભર્યો દાવો કરતા ન્યાયતંત્ર અને રાજકીય વિચારધારા વચ્ચેના સંબંધો પર નવી ચર્ચા છેડી દીધી છે. દારૂ નીતિ (એક્સાઈઝ પોલિસી) કેસની સુનાવણી દરમિયાન કેજરીવાલે સીધું જ જસ્ટિસ સ્વર્ણકાંત શર્માને નિશાન બનાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ન્યાયાધીશે ભાજપ અને RSS સાથે જોડાયેલા 'અધિવક્ત પરિષદ'ના કાર્યક્રમોમાં હાજરી આપી હોવાથી, તેમને આ કેસમાં ન્યાય મળશે કે કેમ તે અંગે ગંભીર આશંકા છે.
વિચારધારાના સંઘર્ષનો મુદ્દો
અદાલતમાં હાજર રહીને કેજરીવાલે દલીલ કરી હતી કે, "ન્યાયાધીશ શર્મા અધિવક્ત પરિષદના કાર્યક્રમોમાં ગયા હતા, જે એક ચોક્કસ વિચારધારા સાથે જોડાયેલ છે. મારી પાર્ટી અને હું પોતે આ વિચારધારાનો ખુલ્લેઆમ વિરોધ કરીએ છીએ. આવી સ્થિતિમાં, એક પક્ષકાર તરીકે મારા મનમાં શંકા જાગવી સ્વાભાવિક છે કે શું મને ન્યાયિક તટસ્થતા મળશે?" તેમણે સુપ્રીમ કોર્ટના અવલોકનને ટાંકીને ઉમેર્યું હતું કે, "કાર્યકારી લોકશાહીમાં માત્ર ન્યાય થવો જોઈએ એટલું જ નહીં, પણ ન્યાય થાય છે તેવી 'ધારણા' (Perception) પણ હોવી જોઈએ."
CBI અને ED પ્રત્યે 'ઉદારતા'નો આક્ષેપ
કેજરીવાલે જસ્ટિસ શર્મા સામે બીજો મોટો આક્ષેપ કરતા કહ્યું કે, આ અદાલત તપાસ એજન્સીઓ (CBI અને ED) જે માંગે છે તેનું હંમેશા સમર્થન કરે છે. તેમણે ભૂતકાળના આદેશોનો હવાલો આપતા કહ્યું કે, હાઈકોર્ટે અનેકવાર એવા આદેશો આપ્યા હતા જેને પાછળથી સુપ્રીમ કોર્ટે રદ કરવા પડ્યા હતા. તેમણે મનીષ સિસોદિયાના કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ કોર્ટે નેતાઓને 'ભ્રષ્ટ' ગણાવ્યા હતા, પરંતુ તપાસમાં હજુ સુધી કોઈ વસૂલાત થઈ નથી.
"ન્યાયાધીશની પ્રામાણિકતા નહીં, પણ આશંકાનો પ્રશ્ન છે"
પોતાની વાત સ્પષ્ટ કરતા કેજરીવાલે કહ્યું કે, "આ પ્રશ્ન ન્યાયાધીશની વ્યક્તિગત પ્રામાણિકતાનો નથી, પરંતુ પક્ષકારના મનમાં રહેલી આશંકાનો છે. જો કોઈ જજ વિરોધી વિચારધારાના કાર્યક્રમમાં જાય, તો લોકશાહીમાં તેની અસર ન્યાયિક છબી પર પડે છે." તેમણે આ મામલે અગાઉ ચીફ જસ્ટિસને પણ પત્ર લખ્યો હતો, પરંતુ તે વિનંતી ફગાવી દેવામાં આવતા તેમણે આજે ખુલ્લી અદાલતમાં આ રજૂઆત કરી હતી.
કેજરીવાલની આ આક્રમક દલીલો બાદ હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે. આ ઘટનાએ ફરી એકવાર ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ન્યાયાધીશોની જાહેર જીવનમાં સક્રિયતા પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
