<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

કોર્પોરેટ જગતમાં મિલેનિયલ્સ અને જનરેશન-ઝેડ વચ્ચે ખેલાતું મહાયુદ્ધ : એક પક્ષ જવાબદારીઓના બોજ હેઠળ ‘ક્વાયટ ક્વિટિંગ’ કરવા મજબૂર, તો બીજો પક્ષ ‘સ્લે’ કહીને ‘લાઉડ લીવિંગ’ દ્વારા આપી રહ્યો છે પડકાર

ઘરના હપ્તા અને બાળકોની સ્કૂલ ફી માટે ટોક્સિક કલ્ચર સહન કરતા ‘મિલેનિયલ શહીદો’ સામે પોતાની મેઈન કેરેક્ટર એનર્જી અને મેન્ટલ હેલ્થ માટે વોટ્સએપ વોઈસ નોટ પર રાજીનામું ધરી દેતા ‘જનરેશન-ઝેડ બળવાખોરો’ વચ્ચે ઊભી થઈ ઊંડી ખાઈ

મુંબઈ:ભારતના કોર્પોરેટ જગતના ગ્લેમરસ ઓફિસ બ્લોક્સમાં સાંજે સાડા છ વાગ્યે એક અદ્રશ્ય મનોવૈજ્ઞાનિક સંઘર્ષની શરૂઆત થાય છે. આ લડાઈ ઓફિસના ટાર્ગેટ કે પ્રોફિટની નથી, પરંતુ બે પેઢીઓ વચ્ચેના મૂલ્યો અને દૃષ્ટિકોણની છે. એક તરફ મિલેનિયલ્સ (Millennials) છે જેઓ આર્થિક સુરક્ષા માટે ગૂંગળામણ સહન કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ જનરેશન-ઝેડ (Gen Z) છે જેઓ પોતાની શરતો પર કામ કરવા તૈયાર છે. આ સ્થિતિએ ભારતીય કાર્યસ્થળોને જનરેશનલ ફ્રિકશનના ‘પ્રેશર કુકર’ બનાવી દીધા છે.

 

મિલેનિયલ ‘શહીદ’: મજબૂરીની વફાદારી:

૩૮ વર્ષીય સિનિયર માર્કેટિંગ મેનેજર સમીર જેવા હજારો કર્મચારીઓ આ વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ છેલ્લા અનેક વર્ષોથી પોતાની નોકરીથી નાખુશ છે, રવિવારની રાત્રે તેમને સોમવારનો ડર લાગે છે અને બોસની અકારણ ટોકટોક સહન કરે છે. છતાં, તેઓ ક્યાંય જઈ શકતા નથી. આ પેઢી ‘ભારતીય સ્વપ્ન’ સાથે જોડાયેલી છે, જેમાં થાણેમાં ૨-BHK ફ્લેટની ૧૫ વર્ષની હોમ લોન, ૧૮ હજારનો કારનો હપ્તો અને નાના બાળકની મોંઘી ફી સામેલ છે.

 

સમીર જેવા લોકો ‘ક્વાયટ ક્વિટિંગ’ (Quiet Quitting) કરી રહ્યા છે, એટલે કે તેઓ ઓફિસમાં શરીરથી હાજર છે પણ મનથી છેડો ફાડી ચૂક્યા છે. તેઓ માત્ર એટલું જ કામ કરે છે જેટલું અનિવાર્ય છે. તેઓ વર્ષોથી વફાદાર રહેવાને બદલે હકીકતમાં પગારના ‘મેસેજ’ માટે પોતાની ગરિમા સાથે બાંધછોડ કરી રહ્યા છે.

 

જનરેશન-ઝેડ ‘બળવાખોર’: વલણ અને આત્મવિશ્વાસ:

બીજી બાજુ ૨૩ વર્ષીય સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ ઈશાની જેવા યુવાનો છે. ઈશાનીએ નોકરીમાં માત્ર ૨૧ દિવસ કાઢ્યા અને પછી ગ્રુપમાં ૪૫ સેકન્ડની વોટ્સએપ વોઈસ નોટ મૂકીને રાજીનામું આપી દીધું. તેનું કારણ હતું કે ઓફિસનો ‘વાઈબ’ તેની માનસિક શાંતિ સાથે મેળ ખાતો નહોતો. ઓફિસની પેન્ટ્રીમાં ઓટ મિલ્ક ન હોવું પણ તેના માટે ‘રેડ ફ્લેગ’ સમાન હતું.

 

આ પેઢી માટે નોકરી એ કોઈ લાંબુ બંધન નથી પણ એક ‘સીઝન’ છે. તેઓ EMIs ના બોજ હેઠળ નથી અને મોટાભાગે માતા-પિતા સાથે રહે છે અથવા મિત્રો સાથે ફ્લેટ શેર કરે છે. તેથી જ તેઓ ‘લાઉડ લીવિંગ’ (Loud Leaving) કરે છે—એટલે કે નોકરી છોડ્યા પછી સોશિયલ મીડિયા પર ‘ગેટ અનરેડી વિથ મી, ક્વિટિંગ માય ટોક્સિક જોબ’ જેવી રીલ્સ બનાવીને ખુલ્લેઆમ પ્રહાર કરે છે.

 

ઊંડો વિરોધાભાસ અને કંપનીઓ માટે પડકાર:

આ માત્ર બે પેઢીનો તફાવત નથી, પણ ભારતીય કોર્પોરેટ સંસ્કૃતિમાં આવી રહેલો મોટો બદલાવ છે. દાયકાઓથી કંપનીઓ કર્મચારીઓના ‘અસલામતીના ડર’ પર ટકેલી હતી, પરંતુ નવો વર્ગ હવે ડરવાને બદલે સવાલ કરી રહ્યો છે. જે કંપનીઓ આ બદલાવને સમજી નથી રહી ત્યાં અત્યારે મોટાપાયે પદત્યાગ જોવા મળી રહ્યો છે.

 

કંપનીઓએ હવે સમજવું પડશે કે માત્ર પગાર કે આર્થિક દબાણથી ટેલેન્ટને રોકી શકાશે નહીં. પારદર્શિતા, સહાનુભૂતિ અને લવચીકતા (Flexibility) જ હવે ટકી રહેવાની ચાવી છે. બીજી તરફ, મિલેનિયલ્સ માટે એ પ્રશ્ન ઊભો થયો છે કે તેઓ ખરેખર નોકરીમાં રહેવા માંગે છે કે પછી તેમની આર્થિક મજબૂરી તેમને રોકી રહી છે? અને જો આવતીકાલે સ્થિતિ વણસે, તો શું તેમનામાં પણ તે વોઈસ નોટ મોકલીને ‘સ્લે’ કહેવાની હિંમત છે? (ઇન્ડિયાટુડે માંથી સાભાર)

(9:34 PM IST)