<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

એલોન મસ્કે કોરોના વેક્સિનની આડઅસર મુદ્દે મૌન તોડ્યું : રસીના બીજા ડોઝથી મારો જીવ જવાની અણી પર હતો તેવું જણાવી ફાઈઝરના પૂર્વ વૈજ્ઞાનિક ડો. હેલ્મૂટ સ્ટેર્ઝના દાવાઓને આપ્યું સમર્થન

જર્મનીની સંસદમાં થયેલી જુબાનીએ સમગ્ર વિશ્વમાં મચાવ્યો ખળભળાટ : પરીક્ષણોમાં બેદરકારી અને અપૂરતી સેફ્ટી સ્ટડીઝને કારણે જર્મનીમાં જ અંદાજે ૬૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સનસનીખેજ આક્ષેપો સામે આવ્યા

બર્લિન:વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) ના માલિક એલોન મસ્કે કોરોના વેક્સિનની આડઅસર અંગે અત્યંત ચોંકાવનારો દાવો કરીને વૈશ્વિક સ્તરે વિવાદ છેડી દીધો છે. મસ્કે પોતાના અંગત અનુભવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે વેક્સિનના બીજા ડોઝ બાદ તેમને એવું લાગતું હતું કે જાણે તેઓ મૃત્યુ પામશે. આ ગંભીર નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ફાઈઝર કંપનીના પૂર્વ ટોક્સિકોલોજિસ્ટ ડો. હેલ્મૂટ સ્ટેર્ઝનો જર્મન સંસદમાં જુબાની આપતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં તેમણે વેક્સિનના કારણે હજારો લોકોના મોતના આક્ષેપ કર્યા છે.

 

પૂર્વ વૈજ્ઞાનિકના વિસ્ફોટક આક્ષેપો:

ફાઈઝરના યુરોપિયન લેબોરેટરીના પૂર્વ વડા ડો. હેલ્મૂટ સ્ટેર્ઝે ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ જર્મન સંસદની કોરોના તપાસ સમિતિ (Corona Enquete Commission) સમક્ષ હાજર થઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ફાઈઝર-બાયોએનટેકની એમઆરએનએ (mRNA) વેક્સિનને ઉતાવળે મંજૂરી અપાવવા માટે ઓછામાં ઓછા ૧૦ અત્યંત મહત્વના ‘પ્રિકલિનિકલ સેફ્ટી સ્ટડીઝ’ છોડી દેવામાં આવ્યા હતા. સ્ટેર્ઝના મતે, આ રસીની કેન્સર પેદા કરવાની ક્ષમતા (Carcinogenicity) અને પ્રજનન ક્ષમતા પર થતી અસરના પરીક્ષણો યોગ્ય રીતે થયા નહોતા.

 

સૌથી સનસનીખેજ દાવો કરતા તેમણે જણાવ્યું હતું કે જર્મનીની સંસ્થા પોલ-એહરલિચ-ઇન્સ્ટિટ્યુટ દ્વારા રસીકરણ બાદ નોંધાયેલા ૨,૧૩૩ મોતના આંકડા વાસ્તવિકતા કરતા ખૂબ ઓછા છે. અમેરિકાની રિપોર્ટિંગ સિસ્ટમના ડેટા મુજબ ૩૦ ગણા વધુ કેસ અનરિપોર્ટેડ રહેતા હોય છે, તે ગણતરીએ જર્મનીમાં વેક્સિનને કારણે ૬૦,૦૦૦ થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી હતી.

 

એલોન મસ્કે મીડિયાની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ:

એલોન મસ્કે આ વીડિયો શેર કરતા ૨૦૦ મિલિયનથી વધુ ફોલોઅર્સ સમક્ષ પ્રશ્ન કર્યો હતો કે આટલી મોટી વિગતને મુખ્ય પ્રવાહના મીડિયાએ કેમ દબાવી દીધી? મસ્કે લખ્યું કે, "મારો બીજો વેક્સિન શૉટ મને લગભગ હોસ્પિટલ ભેગો કરી દેવાનો હતો, મને લાગતું હતું કે હું મરી રહ્યો છું." તેમણે વધુમાં ઉમેર્યું કે વેક્સિન લેતા પહેલા તેમને કુદરતી રીતે કોરોના થયો હતો, જે સામાન્ય શરદી-તાવ જેવો જ હતો. મસ્કના આ સમર્થન બાદ વિશ્વભરમાં ‘વેક્સિન સેફ્ટી’ અને ફાર્મા કંપનીઓની જવાબદારી અંગે નવી ચર્ચા શરુ થઈ છે.

 

સરકાર અને તબીબી સમુદાયનો ખુલાસો:

આ ગંભીર આક્ષેપો બાદ જર્મનીના આરોગ્ય મંત્રી કાર્લ લાઉટરબાચે તાત્કાલિક પ્રતિક્રિયા આપી આ દાવાઓને ખોટા ગણાવ્યા હતા. મેડિકલ એક્સપર્ટ્સનું કહેવું છે કે રસી લીધા બાદ મૃત્યુ થવું અને રસીના કારણે જ મૃત્યુ થવું એ બંને તકનીકી રીતે અલગ બાબતો છે. યુરોપિયન મેડિસિન એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે વેક્સિનના ફાયદા તેના જોખમો કરતા અનેકગણા વધારે છે. જોકે, હૃદયના સ્નાયુઓમાં સોજો આવવો (માયોકાર્ડિટિસ) જેવી આડઅસરોની શક્યતા દુર્લભ કિસ્સામાં સ્વીકારવામાં આવી છે. તેમ છતાં, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચ મુજબ વેક્સિન કરતા કોરોના વાયરસ પોતે હૃદયની બીમારીઓ માટે વધુ જવાબદાર છે. હાલમાં આ વિવાદે વિશ્વના આરોગ્ય અને રાજકીય ક્ષેત્રે ભૂકંપ લાવી દીધો છે.

(9:39 PM IST)