News of Monday, 13th April 2026
ગગનચુંબી ઇમારતોની છાયામાં દટાયેલું મજૂરોનું દર્દ: નોઈડામાં ભડકેલી આક્રોશની જ્વાળા પાછળનું વરવું સત્ય
મોંઘવારીના અજગરે મજૂરોનો કોળિયો છીનવ્યો: રૂ. ૧૦,૦૦૦ના પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય બનતા શ્રમિકો રસ્તા પર ઉતર્યા : કાળાબજારમાં મળતા ગેસ સિલિન્ડર અને પીવાના પાણીના ખર્ચે મધ્યમવર્ગીય સપનાઓને રોળી નાખ્યા

નોઈડા : નોઈડા અને ગ્રેટર નોઈડાના ચકચકિત હાઈવે અને આલીશાન સોસાયટીઓ પાછળ એક એવું અંધારું સત્ય છુપાયેલું છે, જે સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિની ઊંઘ ઉડી જાય. છેલ્લા કેટલાક દિવસોથી સેક્ટર ૫૭ થી લઈને સેક્ટર ૮૩ સુધી જે હિંસક વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા, તે માત્ર પગાર વધારાની માંગ નહોતી, પરંતુ વર્ષોથી ભીંસાતા આક્રોશનો વિસ્ફોટ હતો. ૨૦૦૩ થી આ વિસ્તારને નજીકથી જોનારા લોકો સાક્ષી છે કે, જે શ્રમિકો આ શહેરની સમૃદ્ધિની કરોડરજ્જુ છે, તેઓ પોતે જ પાયમાલ થઈ રહ્યા છે. ગ્રેજ્યુએટ થયેલા યુવાનો પણ આજે મજબૂરીમાં ૧૦ થી ૧૨ હજાર રૂપિયામાં ૧૨-૧૨ કલાક વૈતરું કરી રહ્યા છે, છતાં મહિનાના અંતે તેમના હાથમાં દેવું અને ભૂખ સિવાય કંઈ જ બચતું નથી.
શ્રમિકોની આર્થિક સ્થિતિનું ગણિત તપાસીએ તો તે અત્યંત ભયાનક છે. 'કમાણી આઠ આના અને ખર્ચ દસ રૂપિયા' જેવી સ્થિતિમાં જીવતા આ કામદારોનો અડધો પગાર તો મુંબઈની ચાલી જેવા નાના રૂમનું ભાડું ભરવામાં જ જતો રહે છે. બાકી બચેલા નાણાંમાં રાશન, દૂધ અને બાળકોની સ્કૂલ ફી માંડ પૂરી થાય છે. ઉપરથી નોઈડાના પ્રદૂષિત પાણીને કારણે થતી બીમારીઓ અને સરકારી ભાવ કરતા ચાર ગણા ભાવે મળતા કાળાબજારના ગેસ સિલિન્ડર તેમની કમર તોડી નાખે છે. જ્યારે કોઈ બીમાર પડે ત્યારે વ્યાજે નાણાં લેવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. આ જ કારણ છે કે તેઓ ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ઓછામાં ઓછા ૨૦,૦૦૦ રૂપિયાના પગારની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે.
સરકારી કાગળો પર બધું જ 'ઓલ ઈઝ વેલ' દેખાય છે, કારણ કે ફેક્ટરી માલિકો તપાસ અધિકારીઓ માટે દસ્તાવેજો ચુસ્ત રાખે છે, પણ વાસ્તવિકતા ખોડા કોલોની અને બંગેલની ગીચ ગલીઓમાં દેખાય છે. હરિયાણા જેવા પાડોશી રાજ્યોમાં શ્રમિકોને મળતા વધુ વેતનને કારણે નોઈડાના મજૂરોમાં અન્યાયની લાગણી જન્મી છે. ભલે પોલીસ અત્યારે સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરે અને ડ્રોનથી નજર રાખવામાં આવતી હોય, પરંતુ જ્યાં સુધી પેટની ભૂખ અને આર્થિક અસમાનતાનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી આ શાંતિ માત્ર ઉપરછલ્લી જ રહેશે. પોશ સોસાયટીઓમાં રહેતા લોકોએ પણ હવે સમજવું પડશે કે તેમની સુવિધા પાછળ કેટલાય પરિવારો પોતાનું લોહી પરસેવો એક કરી રહ્યા છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
