<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

લગ્ન પ્રસંગે હવે ગેસ માટે પણ જોવું પડશે 'મુહૂર્ત': જો તમારી ઘરે લગ્ન હોય તો પહેલા કંકોતરી બતાવો અને મહેમાનોની સંખ્યા નોંધાવો, તો જ મળશે ગેસ સિલિન્ડર!

બિહારના સહરસા પ્રશાસનનો આકરો નિર્ણય: ઘરેલુ સિલિન્ડરના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર માટે SDO ની લેખિત મંજૂરી લેવી પડશે અનિવાર્ય

સહરસા : જો તમે લગ્ન કે કોઈ મોટા જાહેર કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છો, તો હવે માત્ર રસોઈયા કે મંડપ સર્વિસથી કામ નહીં ચાલે. તમારે પ્રશાસનની પરવાનગી પણ લેવી પડશે. બિહારના સહરસામાં એલપીજી (LPG) ગેસની ભારે અછત અને કાળાબજારને રોકવા માટે વહીવટીતંત્રે એક વિચિત્ર પણ કડક સિસ્ટમ લાગુ કરી છે. હવેથી કોઈપણ લગ્ન પ્રસંગમાં ગેસ મેળવવા માટે આયોજકોએ પોતાની કંકોતરી સાથે વહીવટીતંત્રને અરજી કરવાની રહેશે.
કંકોતરી વગર ગેસ નહીં મળે!
નવી વ્યવસ્થા મુજબ, જો કોઈને ૧૯ કિલોગ્રામનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર જોઈતો હોય, તો તેણે પ્રશાસન પાસે જઈને અરજી કરવી પડશે. આ અરજી સાથે લગ્નનું આમંત્રણ કાર્ડ એટલે કે કંકોતરી જોડવી ફરજિયાત છે. એટલું જ નહીં, અરજીમાં સ્પષ્ટપણે જણાવવું પડશે કે કેટલા મહેમાનો આવવાના છે. મહેમાનોની સંખ્યાના આધારે જ ગેસની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ જ ગેસ એજન્સીને સિલિન્ડર આપવા માટે નિર્દેશ આપવામાં આવશે.
ઘરેલુ સિલિન્ડર પર સંપૂર્ણ મનાઈ
વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે જાહેર કાર્યક્રમોમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ ગુનો ગણાશે. સામાન્ય ગ્રાહકોને ગેસનો પૂરતો પુરવઠો મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ આયોજક ૧૯ કિલોનો સિલિન્ડર લેવા માંગતો હોય, તો તેણે સબ-ડિવિઝનલ ઓફિસર (SDO) ની લેખિત ભલામણ રજૂ કરવી પડશે. જોકે, રાહતની વાત એ છે કે ૫ કિલોગ્રામના નાના કોમર્શિયલ સિલિન્ડર પર હાલમાં આવા કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી.
કાળાબજાર ડામવા માટેનો માસ્ટરપ્લાન
સહરસાના SDO શ્રેયાંસ તિવારીએ જણાવ્યું કે, "ગેસની અછતને કારણે જરૂરિયાતમંદોને મુશ્કેલી ન પડે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. સંપૂર્ણ તપાસ પછી જ વાણિજ્યિક ગેસ સપ્લાયના ઓર્ડર જારી કરવામાં આવશે." પ્રશાસન માને છે કે આ સિસ્ટમથી ગેસના ગેરકાયદે સ્ટોક અને કાળાબજાર પર લગામ આવશે.
હવે જોવાનું એ રહેશે કે મહેમાનોની સંખ્યાના આધારે ગેસનું વિતરણ કરવાની આ પદ્ધતિ લગ્ન પ્રસંગના આયોજકો માટે કેટલી મુશ્કેલ સાબિત થાય છે.

(9:26 PM IST)