<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

દેશમાં આ વર્ષે ચોમાસા પર 'અલ નીનો'નું ગ્રહણ લાગે તેવી પ્રબળ શક્યતાઓ :જૂન મહિના બાદ પેસિફિક મહાસાગરમાં વિકસી શકે

ગુજરાતના અનેક વિસ્તારોમાં આ વર્ષે વરસાદનું પ્રમાણ સામાન્યથી નીચે રહેવાની શક્યતા:IMD ના પૂર્વાનુમાનથી ખેડૂતો અને વહીવટી તંત્રમાં ચિંતાની લહેર પ્રસરી

નવી દિલ્હી :દેશમાં આ વર્ષે ચોમાસા પર 'અલ નીનો'નું ગ્રહણ લાગે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન વિભાગ અને વિવિધ ખાનગી એજન્સીઓના પૂર્વાનુમાન મુજબ, જૂન મહિના બાદ પેસિફિક મહાસાગરમાં અલ નીનો વિકસી શકે છે, જેની સીધી અસર ભારતીય ચોમાસા પર જોવા મળશે. જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળા માટે જાહેર કરાયેલા આ પૂર્વાનુમાનને પગલે ખેડૂતો અને વહીવટી તંત્રમાં ચિંતાની લહેર પ્રસરી છે.

તાજા અહેવાલો મુજબ, દેશમાં સરેરાશ 92% વરસાદ થવાની સંભાવના છે, જે સામાન્ય કરતા ઓછો ગણાય. ખાસ કરીને ગુજરાતના અનેક વિસ્તારોમાં આ વર્ષે વરસાદનું પ્રમાણ સામાન્યથી નીચે રહેવાની શક્યતા છે. જોકે, રાજ્યના કેટલાક મર્યાદિત વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, પરંતુ એકંદરે અલ નીનોનો પ્રભાવ ખેતી અને જળ સ્તર પર નકારાત્મક અસર કરી શકે છે.

હવામાન વિભાગ અત્યારે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. જૂનથી સપ્ટેમ્બર સુધીનો આ પ્રથમ અંદાજ છે, જ્યારે ચોમાસા અંગેનું બીજું અને વધુ સચોટ અનુમાન મે મહિનામાં જાહેર કરવામાં આવશે. અલ નીનોના પ્રભાવને કારણે દેશના વિવિધ ભાગોમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે અને વરસાદી ખેંચ અનુભવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતોને આ આંકડાઓને ધ્યાનમાં રાખીને વાવણીનું આયોજન કરવા સલાહ આપવામાં આવી રહી છે.

(9:53 PM IST)