News of Tuesday, 14th April 2026
LICના રોકાણકારોને લોટરીઃ દરેક શેર પર મળશે એક બોનસ શેર
શેરબજાર ગગડયું પરંતુ LICના શેરમાં ધરખમ વધારો

મુંબઈ,તા.૧૪: દેશની સૌથી મોટી જીવન વીમા કંપની ભારતીય જીવન વિમા નિગમે (LIC) પોતાના શેરહોલ્ડરોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એલઆઈસીએ કહ્યું છે કે, તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે તમામ શેરહોલ્ડરોને ૧:૧ના રેશિયોથી એટલે કે પ્રત્યેક શેર પર એક બોનસ શેર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
એલઆઈસીએ સોમવારે શેર બજાર એક્સચેન્જને માહિતી આપી છે કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સોમવારે મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બોનસ શેર આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. કંપની ૩૧ ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં જમા થયેલા નફામાંથી ૬૩૨૫ કરોડ રૂપિયાનું મૂડીકરણ કરીને બોનસ શેર બહાર પાડવામાં આવશે.
રેકોર્ડ ડેટ પર માન્ય શેરધારકોને ૧૦ રૂપિયાની ફેસ વેલ્યુવાળા દરેક શેર પર ૧૦ રૂપિયાની ફેસ વેલ્યૂવાળો એક બોનસ શેર આપવામાં આવશે. સૂત્રો મુજબ આ નિર્ણયથી કંપનીમાં સરકારી હિસ્સો વહેંચવાની કવાયત ઝડપી થઈ શકે છે. સરકાર આ દિશામાં યોજના બનાવી રહી છે. હાલ એલઆઈસીમાં સરકારનો ૯૬.૫ ટકા હિસ્સો છે. એલઆઈસીએ મે-૨૦૨૨માં આઈપીઓ દ્વારા ૩.૫ ટકાનો હિસ્સો વહેંચીને ૨૧૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
સોમવારે શેરબજારમાં જોવા મળેલી ભારે પછડાટ છતાં બીએસઈ (BSE) પર એલઆઈસીના શેર વધારા સાથે બંધ થયા હતા. આજે એલઆઈસીના શેર ૦.૭૧% (૫.૭૦ રૂપિયા)ના ઉછાળા સાથે ૮૦૪.૨૫ રૂપિયાના ભાવ પર બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન કારોબારમાં એલઆઈસીના શેર ૭૮૨.૦૦ રૂપિયાના નીચલા સ્તરથી લઈને ૮૦૯.૦૦ રૂપિયાના ઊંચા સ્તર સુધી પહોંચ્યા હતા. જોકે વીમા કંપનીના શેર હાલમાં તેના ૫૨ સપ્તાહના ઉચ્ચ સ્તરથી થોડા નીચે ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈ પર એલઆઈસીના શેરનો ૫૨ સપ્તાહનો હાઈ ૯૮૦.૦૫ રૂપિયા અને ૫૨ સપ્તાહનો લો ૭૨૨.૦૦ રૂપિયા રહ્યો છે
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
