<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

મહિને લાખ કમાતી પત્‍નીની ભરણપોષણની માંગણી પતિના શરીરનું માંસ નોચવા સમાન છે

મધ્‍યપ્રદેશ હાઈકોર્ટે ભરણપોષણના એક કેસની સુનાવણી દરમિયાન અત્‍યંત આકરી અને મહત્‍વપૂર્ણ ટિપ્‍પણી કરી : મહિલા આત્‍મનિર્ભર હોવાથી અરજી ફગાવી હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો ચુકાદો માન્‍ય રાખ્‍યો

જબલપુર,તા.૧૪: મધ્‍યપ્રદેશ હાઈકોર્ટે ભરણપોષણના એક કેસની સુનાવણી દરમિયાન અત્‍યંત આકરી અને મહત્‍વપૂર્ણ ટિપ્‍પણી કરી છે. કોર્ટે સ્‍પષ્ટપણે જણાવ્‍યું છે કે, જે મહિલા દર મહિને એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરતી હોય, તેના દ્વારા પતિ પાસે ભરણપોષણની માંગણી કરવી એ અતાર્કિક છે.

જસ્‍ટિસ વિવેક જૈને પ્રખ્‍યાત અંગ્રેજી સાહિત્‍યકાર શેક્‍સપિયરના નાટક ‘મર્ચન્‍ટ ઓફ વેનિસ'ના એક સંવાદને ટાંકીને કહ્યું હતું કે, ‘‘પત્‍નીની આ માંગણી એવી જ છે કે જાણે કોઈના શરીર પરથી માંસનો ટુકડો માંગવામાં આવ્‍યો હોય.''

હાઈકોર્ટે આ અરજીને ફગાવી દેતા તીખી પ્રતિક્રિયા આપી હતી કે, આ અરજી અન્‍ય કંઈ નહીં પણ પતિનું માંસ નોચવા સમાન છે, જેની પરવાનગી આપી શકાય નહીં. અદાલતે નોંધ્‍યું હતું કે મહિલા પહેલેથી જ આર્થિક રીતે સદ્ધર છે અને તે પોતાનું ઘર ખૂબ સારી રીતે ચલાવી શકે તેમ છે. વધુમાં, દંપતીને કોઈ સંતાન પણ નથી જેની જવાબદારી પત્‍ની પર હોય. આ કેસની વિગત મુજબ, દંપતીના લગ્ન ૪ નવેમ્‍બર ૨૦૨૨ના રોજ થયા હતા, પરંતુ ૨૦૨૩થી તેઓ અલગ રહેવા લાગ્‍યા હતા. પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જેની સામે પત્‍નીએ વચગાળાના ભરણપોષણની માંગ કરી હતી. ફેમિલી કોર્ટે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ આ માંગણી ફગાવી દીધી હતી, જેને પત્‍નીએ હાઈકોર્ટમાં પડકારી હતી. મહિલાએ સ્‍વીકાર્યું હતું કે તે નોકરી કરે છે અને વર્ષે અંદાજે ૨૦ લાખ રૂપિયા કમાય છે, જ્‍યારે તેના પતિની આવક વાર્ષિક ૩૦ લાખથી વધુ છે. જોકે, હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલાએ દલીલ કરી હતી કે હવે તેની આવક ઘટીને વાર્ષિક ૧૪ લાખ થઈ ગઈ છે. આ અંગે હાઈકોર્ટે વળતો જવાબ આપતા કહ્યું કે, જો રૂ.૧૪ લાખની આવકને પણ સાચી માનવામાં આવે, તો પણ મહિલા દર મહિને અંદાજે ૧.૨૫ લાખ રૂપિયા કમાય છે. આટલી મોટી રકમ કમાતી વ્‍યક્‍તિ આર્થિક રીતે નબળી ન કહી શકાય.

 મધ્‍યપ્રદેશ હાઈકોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદાને માન્‍ય રાખતા કહ્યું કે, ભરણપોષણ ત્‍યારે જ આપી શકાય જ્‍યારે પત્‍ની તેના પતિ પર સંપૂર્ણ રીતે આશ્રિત હોય અથવા તેને કોઈ બાળક હોય જેના ઉછેર માટે નાણાંની જરૂર હોય. આ કિસ્‍સામાં મહિલા આત્‍મનિર્ભર હોવાથી તેની અરજી ટકી શકે તેમ નથી.

(10:11 AM IST)