News of Friday, 5th June 2026
વંદા બન્યા ગ્લોબલ સેન્સેશન: ઓસ્ટ્રેલિયામાં ક્રાઈમ, ભારતમાં પોલિટિકલ લડાઈ!
એક તરફ કાંગારુઓની ભૂમિ પર ₹1 કરોડના ગેરકાયદેસર કોકરોચ પકડાતા સન્નાટો : બીજી તરફ ભારતમાં કોર્ટની ટિપ્પણી સામે સોશિયલ મીડિયા પર ઊભી થઈ ‘કોકરોચ જનતા પાર્ટી’

નવી દિલ્હી: દુનિયામાં વંદો (કોકરોચ) સામાન્ય રીતે ઘરોમાં નફરતનું પાત્ર બને છે, પરંતુ હાલમાં આ જીવ આંતરરાષ્ટ્રીય સ્તરે હેડલાઇન્સમાં છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં પોલીસે એક મોટા ઓપરેશનમાં બ્રીડર પાસેથી 1,00,000 થી વધુ વિદેશી જીવંત વંદો જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત આશરે 2,00,000 ઓસ્ટ્રેલિયન ડોલર (અંદાજે ₹1.1 કરોડથી વધુ) છે. આ જપ્તીમાં વિશ્વના સૌથી મોટા ગણાતા 'મેડાગાસ્કર હિસિંગ' પ્રજાતિના વંદો સામેલ છે, જેનો ઉપયોગ સરિસૃપો (ગરોળી-સાપ) ના ખોરાક તરીકે ગેરકાયદેસર રીતે થતો હતો. ઓસ્ટ્રેલિયાના કડક જૈવ સુરક્ષા કાયદાના કારણે સ્થાનિક પર્યાવરણ અને વન્યજીવોના રક્ષણ માટે આ તમામ વંદોને મારી નાખવાનો આદેશ અપાયો છે.
બીજી તરફ, ભારતમાં વંદો આર્થિક ગુનો નહીં પરંતુ સત્તાધારી પક્ષ સામે વિરોધનું પ્રતીક બની ગયો છે. તાજેતરમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા સુનાવણી દરમિયાન યુવાનો સંદર્ભે કરાયેલી એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નામની પેરોડી ચળવળ શરૂ થઈ છે. બોસ્ટન યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ 30 વર્ષીય અભિજીત દિપકે આ ડિજિટલ આંદોલન શરૂ કર્યું છે, જેને ફેસબુક-એક્સ પર લાખો લોકોનો સપોર્ટ મળ્યો છે. ન્યાયાધીશે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેમના શબ્દોને ખોટી રીતે રજૂ કરાયા છે, છતાં સોશિયલ મીડિયા પર આ મુદ્દો જોર પકડી ચૂક્યો છે.
આ વિવાદ હવે ડિજિટલ સ્ક્રીન પરથી ઉતરીને દિલ્હીના રસ્તાઓ પર આવવા તૈયાર છે. અમેરિકામાં રહેતા આ પેરોડી પાર્ટીના સ્થાપક અભિજીત દિપક હવે ભારત પરત ફરી રહ્યા છે. તેઓ દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે નવી દિલ્હીમાં એક મોટા પ્રદર્શનનું નેતૃત્વ કરવાના છે. જો કે, આયોજન પહેલા જ તેમને પોતાની ધરપકડ થવાનો ડર સતાવી રહ્યો છે, જેના કારણે ભારતીય રાજકારણ અને સોશિયલ મીડિયા યુઝર્સમાં આ અનોખા 'કોકરોચ પ્રોટેસ્ટ' ને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
