જયપુર એરપોર્ટ પર ફફડાટ: યુગાન્ડાથી આવેલી યુવતીમાં ઇબોલાના શંકાસ્પદ લક્ષણો જણાતા તંત્ર એલર્ટ, હોસ્પિટલમાં આઇસોલેશનમાં રખાઈ
આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી: પ્રવાસી યુવતીના સેમ્પલ પુણે લેબમાં મોકલાયા; સાથે મુસાફરી કરનારા અન્ય પેસેન્જરોને ક્વોરેન્ટાઇન રહેવાની તાકીદ

જયપુર : રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે એરપોર્ટ પરની એક ઘટનાએ તબીબી તંત્રમાં દોડધામ મચાવી દીધી છે. યુગાન્ડાથી આવેલી 19 વર્ષીય એક યુવતી જયપુર એરપોર્ટ પર ઉતરી ત્યારે એરપોર્ટના આરોગ્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા રૂટિન સ્ક્રીનીંગ દરમિયાન તેનામાં ઇબોલા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. સુરક્ષા અને સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી તુરંત જ તેને જયપુરની રાજસ્થાન યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસ (RUHS) હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેને કડક આઇસોલેશનમાં રાખવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
આ યુવતી શુક્રવારે સવારે શારજાહથી એર અરેબિયાની ફ્લાઇટમાં જયપુર પહોંચી હતી. એરપોર્ટ પર જ્યારે તે સ્ક્રીનીંગમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેની શારીરિક સ્થિતિ અને લક્ષણોને જોતા તબીબી ટીમે તેને તરત જ ક્વોરેન્ટાઇન કરવાની જરૂર જણાવી હતી. આ ફ્લાઇટમાં તેની સાથે મુસાફરી કરનારા અન્ય મુસાફરો માટે પણ આરોગ્ય વિભાગે ગાઇડલાઇન જારી કરી છે. તમામ મુસાફરોને સાવચેતીના ભાગરૂપે ઘરે જ સ્વ-આઇસોલેશનમાં રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.
પુણે લેબમાં રિપોર્ટ્સનું પરીક્ષણ
RUHS હોસ્પિટલના અધિક્ષક ડૉ. અનિલ ગુપ્તાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "અત્યારે ઇબોલાની પુષ્ટિ થઈ નથી, પરંતુ લક્ષણોને ધ્યાનમાં રાખીને કોઈ પણ જોખમ લેવામાં આવ્યું નથી. અમે યુવતીના નમૂના પુણેની અગ્રણી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી દીધા છે. 48 કલાક બાદ વધુ એક સેમ્પલ લેવામાં આવશે. જ્યાં સુધી રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તે આઇસોલેશનમાં જ રહેશે. જો રિપોર્ટ પોઝિટિવ આવે છે, તો પ્રોટોકોલ મુજબ તેને 21 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડશે."
રાજ્યભરમાં હાઇ-એલર્ટ
આ ઘટના બાદ રાજસ્થાનના તબીબી અને આરોગ્ય વિભાગે રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને હાઇ-એલર્ટ પર મૂકી દીધી છે. ખાસ કરીને વિદેશથી, અને તેમાં પણ આફ્રિકન દેશોમાંથી આવતા પ્રવાસીઓની સઘન તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. WHO ની માર્ગદર્શિકા મુજબ તમામ તબીબી સંસ્થાઓને ઇબોલા વાયરસના લક્ષણો ઓળખવા અને તેના માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને તબીબી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
