<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

ઈરાન સાથે અઝરબૈજાનનો મહાવિશ્વાસઘાત: સરહદ પરથી ખેલાયો મોતનો ખેલ!

ખાડી દેશોને અસલી દુશ્મન સમજતા ઈરાનની પીઠમાં પડોશીએ જ ભોંક્યો ખંજર : ઈરાની સરહદથી માત્ર 60 કિમી દૂર ઈઝરાયલે સૈન્ય મથકો સ્થાપીને આઈઆરજીસીના ઈન્ટેલિજન્સ ચીફને ફૂંકી માર્યા હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો

તેહરાન: મધ્ય પૂર્વના યુદ્ધમાં ભૌગોલિક રાજનીતિનો એક એવો ચોંકાવનારો પર્દાફાશ થયો છે જેણે ઈસ્લામિક દેશોની એકતાના લીરેલીરા ઉડાડી દીધા છે. અત્યાર સુધીના ગ્લોબલ રિપોર્ટ્સ અનુસાર, યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈઝરાયલ સામેના યુદ્ધ દરમિયાન ઈરાન હંમેશાં યુએઈ, કુવૈત, બહેરીન અને સાઉદી અરેબિયા જેવા ખાડી દેશોને પોતાના અસલી દુશ્મન માનતો હતો. પરંતુ,  એક સનસનાટીપૂર્ણ અહેવાલે સાબિત કર્યું છે કે ઈરાનની જ સરહદને અડીને આવેલા તેના મુસ્લિમ પડોશી દેશ અઝરબૈજાને તેની સાથે સૌથી મોટો જાસૂસી વિશ્વાસઘાત કર્યો છે. અઝરબૈજાને ઈરાન સાથેની પોતાની 689 કિલોમીટર લાંબી સરહદનો સોદો કરીને ઈઝરાયલને ગુપ્ત સૈન્ય મથકો બનાવવાની છૂટ આપી હતી.

અહેવાલમાં બે ઉચ્ચ સત્તાવાર સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયલે ઈરાની શહેર તાબ્રિઝથી માત્ર 60 કિલોમીટર દૂર અઝરબૈજાનની ધરતી પર હાઈ-ટેક લશ્કરી અને ગુપ્તચર મથકો સ્થાપ્યા હતા. જાન્યુઆરી 2026 માં જ ઈઝરાયલે પોતાના સૈનિકો ત્યાં તૈનાત કરી દીધા હતા, જેમાં મોસાદના એજન્ટો, સ્પેશિયલ ઓપરેશન ફોર્સ અને ચુનંદા હેલિકોપ્ટર લડાયક દળોના ડઝનબંધ કમાન્ડો સામેલ હતા. આ મથકો પરથી ગુપ્ત નેટવર્ક દ્વારા અત્યાધુનિક ડ્રોન અને ઘાતક હથિયારો ઈરાનની સરહદમાં મોકલવામાં આવતા હતા. આ જાસૂસી જાળના આધારે જ ઈઝરાયલે એક મોટા ઓપરેશનમાં ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ઈન્ટેલિજન્સ ચીફ રહેમાન મોગદ્દામની હત્યા કરીને ઈરાની લશ્કરની કમર તોડી નાખી હતી.

ઈઝરાયલનો પ્લાન એટલો આક્રમક હતો કે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની અને અલી લારીજાનીની હત્યા બાદ સર્જાનારી લોહિયાળ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેમણે અઝરબૈજાનમાં બેકઅપ ફોર્સ તૈયાર રાખી હતી. જો કે, અઝરબૈજાનના વિદેશ મંત્રી જયહુન બાયરામોવે સત્તાવાર રીતે દાવો કર્યો હતો કે બાકુ ક્યારેય પોતાની જમીનનો ઉપયોગ ત્રીજા દેશ વિરુદ્ધ થવા નહીં દે, છતાં પડદા પાછળની આખી રમત જુદી જ હતી. હાલમાં યુએસ સ્થિત અઝરબૈજાની દૂતાવાસે આ અહેવાલોને તદ્દન પાયાવિહોણા ગણાવીને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે, પરંતુ આ ખુલાસાએ સમગ્ર મધ્ય પૂર્વના દેશો વચ્ચે અવિશ્વાસ અને તણાવની નવી આગ સળગાવી દીધી છે.

(7:24 PM IST)