ઈરાન પછી હવે અમેરિકાની નજર ક્યુબા પર: ₹75,000 કરોડના ઐતિહાસિક વિવાદમાં ટ્રમ્પની ધમકીથી વધ્યું તણાવ
૬૦ વર્ષ જૂના મિલકત વિવાદને ઉકેલવા ડોનાલ્ડ ટ્રમ્પ આક્રમક મૂડમાં; શું સામ્યવાદી ક્યુબા અમેરિકાના આર્થિક દબાણ સામે ઝૂકશે?

વોશિંગ્ટન : આંતરરાષ્ટ્રીય રાજનીતિના ક્ષેત્રે હાલમાં એક નવો વંટોળ ઉઠ્યો છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના તણાવ બાદ હવે ક્યુબાને આડે હાથ લીધું છે. ટ્રમ્પે વ્યંગાત્મક અંદાજમાં કહ્યું છે કે, "ઈરાનના મામલાને પતાવ્યા બાદ જ્યારે અમારી સેના પરત ફરશે, ત્યારે તે ક્યુબામાં થોડો આરામ કરશે." આ નિવેદનને ક્યુબા માટે એક ગંભીર ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું છે, જેની પાછળ 1959થી ચાલી આવતો આશરે ₹75,000 કરોડનો (9 બિલિયન ડોલર) મિલકત વિવાદ મુખ્ય કારણ છે.
શું છે ₹75,000 કરોડનો આ વિવાદ?
વર્ષ 1959માં જ્યારે ક્યુબામાં ફિડેલ કાસ્ટ્રોના નેતૃત્વમાં સામ્યવાદી ક્રાંતિ થઈ, ત્યારે ક્યુબા સરકારે મોટા પાયે રાષ્ટ્રીયકરણની પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રક્રિયામાં અમેરિકન કંપનીઓ અને નાગરિકોની જમીન, ખાંડની મિલો, બેંકો અને તેલ કંપનીઓ જપ્ત કરી લેવામાં આવી હતી. તે સમયે યુ.એસ.એ આવી 6,000 થી વધુ મિલકતો માટે દાવા કર્યા હતા. સમય જતાં, વ્યાજ અને મોંઘવારીને કારણે આ રકમ વધીને હવે ₹75,000 કરોડ સુધી પહોંચી છે. અમેરિકાનું સ્પષ્ટ વલણ છે કે જ્યાં સુધી ક્યુબા આ રકમનું વળતર નહીં આપે, ત્યાં સુધી સંબંધો સામાન્ય થઈ શકે નહીં.
હેલ્મ્સ-બર્ટન એક્ટ અને આંતરરાષ્ટ્રીય દબાણ
1996માં ક્યુબન એરફોર્સ દ્વારા બે અમેરિકન વિમાનોને તોડી પાડવાની ઘટના બાદ આ વિવાદ વધુ વકર્યો હતો. ત્યાર બાદ અમલમાં આવેલો 'હેલ્મ્સ-બર્ટન એક્ટ' અમેરિકન નાગરિકોને ક્યુબામાં તેમની ભૂતપૂર્વ મિલકતનો ઉપયોગ કરતી કંપનીઓ સામે દાવો કરવાનો અધિકાર આપે છે. આ કાયદાએ ક્યુબા પરના પ્રતિબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. હાલમાં યુ.એસ. સુપ્રીમ કોર્ટે પણ આવા કેસોને આગળ વધવાની મંજૂરી આપતા ક્યુબાની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
ક્યુબાની ખરાબ આર્થિક સ્થિતિ અને ટ્રમ્પનું વલણ
ક્યુબા અત્યારે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશભરમાં પાવર કટ અને બ્લેકઆઉટ સામાન્ય બની ગયા છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા તેલ પ્રતિબંધોને કારણે ત્યાંનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે. આવા સંજોગોમાં ₹75,000 કરોડ ચૂકવવા એ ક્યુબા માટે અશક્ય જેવું કામ છે. ક્યુબા દલીલ કરે છે કે આ સંપત્તિનું રાષ્ટ્રીયકરણ એક ગરીબ દેશની જરૂરિયાત હતી, પરંતુ ટ્રમ્પનું આક્રમક વલણ જોતા એવું લાગે છે કે તેઓ આ મુદ્દા પર કોઈ નરમાઈ દાખવવાના મૂડમાં નથી. હવે જોવાનું એ રહેશે કે 'ઈરાન મિશન' પછી ટ્રમ્પ ક્યુબા સામે કેવા કડક પગલાં ઉઠાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
