News of Friday, 5th June 2026
કર્ણાટક કોંગ્રેસમાં હાઈવોલ્ટેજ ડ્રામા: એક તરફ નામાંકન, બીજી તરફ બળવો!
ખડગેએ રાહુલ ગાંધીની હાજરીમાં રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું: બેંગલુરુના રાજકારણમાં મંત્રીઓના ઉપરાઉપરી રાજીનામા અને નારાજગીથી નવી સરકાર સંકટમાં

બેંગલુરુ: કર્ણાટકના રાજકારણમાં શુક્રવારે એકસાથે બે વિપરીત ચિત્રો સામે આવ્યા છે, જેણે કોંગ્રેસ હાઈકમાન્ડની ઊંઘ ઉડાવી દીધી છે. એકતરફ બેંગલુરુના વિધાન સૌધા (વિધાનસભા ભવન) ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આગામી ૧૮ જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં વિધિવત ઉમેદવારી પત્ર ભર્યું હતું. કેમ્પેગૌડા એરપોર્ટ પર રાહુલ ગાંધીનું મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને સિદ્ધારમૈયા દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. પરંતુ, આ હાઈપ્રોફાઈલ મુલાકાતની પડદા પાછળ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીનો મોટો વિસ્ફોટ થયો છે.
રાજ્યસભાના નામાંકનની ખુશી મિનિટોમાં જ ગાયબ થઈ ગઈ જ્યારે જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીએ અચાનક કેબિનેટમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. રેડ્ડીએ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને તેમના ભાઈ ડી.કે. સુરેશ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, સરકારની રચના સમયે તેમની સાથે મોટો વિશ્વાસઘાત થયો છે. તેમને વચન અપાયું હતું કે અઢી વર્ષ પછી બેંગલુરુ શહેરી વિકાસ વિભાગ તેમને સોંપવામાં આવશે, પરંતુ વારંવારની ખાતરી છતાં તેમને સાઈડલાઈન કરીને માત્ર જળ સંસાધન મંત્રાલય આપી દેવાયું. આ અપમાન અસહ્ય હોવાનું કહીને તેમણે પોતાનો ત્યાગપત્ર પક્ષ નેતૃત્વને મોકલી આપ્યો છે.
કોંગ્રેસ સરકાર માટે મુશ્કેલીઓ અહીં જ નથી અટકી. અન્ય એક વરિષ્ઠ નેતા અને મંત્રી કે.એચ. મુનિયપ્પાએ પણ બળવાખોર વલણ અપનાવતા ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો સંભાળવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેમણે આ ફાળવણી સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરીને હાઈકમાન્ડના તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરી છે. ૧૮ જૂનની ચૂંટણી પહેલાં જ સર્જાયેલી આ રાજકીય કટોકટીને થાળે પાડવા માટે રાહુલ ગાંધી અને ખડગેએ બેંગલુરુમાં જ ધામા નાખ્યા છે અને નારાજ મંત્રીઓને મનાવવા માટે બંધ બારણે બેઠકોનો દોર શરૂ કર્યો છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
