<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

પ્રવાસીને અડધે રસ્‍તે ઉતારી દેવા બદલ ઓલાને રૂ.૫૦૦૦૦ ચૂકવવા આદેશ

ફરિયાદકર્તા જજની પરીક્ષા આપવા જઈ રહી હતી : ફક્‍ત ઓનલાઈન પ્‍લેટફોર્મ હોવાનો દાવો કરીને કંપની પોતાની જવાબદારીથી બચી શકે નહીં

અમરાવતી,તા.૬: આંધ્ર પ્રદેશમાં જુનિયર સિવિલ જજ મુખ્‍ય પરીક્ષા આપવા જઈ રહેલી એક યુવતી અને તેની માતાને અધ વચ્‍ચે રસ્‍તામાં છોડી દેવાનાં કેસમાં કુર્નુલ ડિસ્‍ટ્રિક્‍ટ કન્‍ઝયુમર ડિસપ્‍યુટ્‍સ રિડ્રેસલ કમિશને ઓલાને સર્વિસમાં બેદરકારી બદલ દોષિત ઠેરવી હતી અને ફરિયાદકર્તાને ૫૦,૦૦૦ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્‍યો હતો.

કમિશને જણાવ્‍યું હતું કે ફક્‍ત ઓનલાઈન પ્‍લેટફોર્મ હોવાનો દાવો કરીને કંપની પોતાની જવાબદારીથી બચી શકે નહીં.

કેસની વિગત અનુસાર ફરિયાદકર્તા ઉલ્‍લાજી ચેન્નામ્‍માએ ૧૧ ઓક્‍ટોબર, ૨૦૨૫નાં ગુંટુરથી નાગાર્જુન યુનિવર્સિટી સ્‍થિત પરીક્ષા કેન્‍દ્ર જવા માટે ઓલા દ્વારા ઓટો બુક કરાવી હતી.

આરોપ છે કે ડ્રાઈવર એપમાં દર્શાવેલ નંબરથી અલગ વાહન લઇને આવ્‍યો અને ઓટીપી લીધા પછી યાત્રા શરૂ કરી હતી. પરીક્ષા કેન્‍દ્ર લઈ જવાને બદલે તેણે રસ્‍તો બદલી નાખ્‍યો હતો.

તેને નિર્ધારિત સ્‍થાનથી લગભગ ૨૫ કિમી દૂર લઈ ગયો હતો. ત્‍યારબાદ ડ્રાઇવરે વધારે નાણાની માંગ કરી હતી. નાણા આપવાનો ઈનકાર કરતા ડ્રાઇવરે અભદ્ર વ્‍યવહાર કર્યો હતો.

ડ્રાઈવર સવારે ૭.૨૮ વાગ્‍યે ફરિયાદકર્તા અને તેની માતાને સડક કિનારે છોડીને ચાલ્‍યો ગયો હતો. ત્‍યારબાદ તેઓ પોતાના ખર્ચેથી બીજી ઓટો બુક કરી પરીક્ષા સ્‍થળ સુધી પહોંચ્‍યા હતાં. યુવતીએ કમિશનને જણાવ્‍યું હતું કે આ ઘટનાથી તેને ભારે માનસિક તંગદિલી થઈ હતી અને તેની અસર પરીક્ષા ઉપર પણ પડી હતી.

ઓલાએ દલીલ કરી હતી કે તે ફક્‍ત ડ્રાઇવરો અને ગ્રાહકોને જોડતું એક મધ્‍યસ્‍થ પ્‍લેટફોર્મ છે અને તેને ડ્રાઈવરની વર્તણૂક માટે જવાબદાર ઠેરવી ન શકાય. કમિશને ઓલાની આ દલીલ ફગાવી દીધી હતી અને ઓલાને ૫૦,૦૦૦ રૂપિયા વળતર અને ૫૦૦૦ રૂપિયા કાયદાકીય ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ આપ્‍યો હતો

(10:04 AM IST)