<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

મોટો ઓર્ડર લખાવવાનો, માલની ડિલિવરી લેવાની અને ક્‍લિયર ન થાય એવો ચેક આપીને નૌદોગ્‍યારહ થઈ જવાનું

ગુજરાતના ગઠિયાઓની ટોળકીને દિડોશી પોલીસે ઝડપી લીધી, આરોપીઓ મુંબઈની જુદી-જુદી હોટેલોમાં રહેતા હતા અને કામચલાઉ ઓફિસો બનાવીને કર્મચારીઓની ભરતી પણ કરતા હતા

મુંબઈ,તા.૬: દિડોશી પોલીસે ગુજરાતની છેતરપિંડી કરતી સિન્‍ડિકેટના ૪ સભ્‍યોની ધરપકડ કરી છે જેમણે હોલસેલ વેપારીઓ પાસેથી ખરીદી કરી હતી અને લાખો રૂપિયાના માલની ડિલિવરી લઈને ચેક આપ્‍યા પછી એ ક્‍લિયર કર્યા વગર જ ચુકવણી કર્યા વિના ગાયબ થઈ જતા હતા.

છેતરપિડીને અંજામ આપવા માટે આ ગેન્‍ગ અલગ-અલગ જગ્‍યાએ કમર્શિયલ જગ્‍યાઓ ભાડે રાખતી હતી અને વિવિધ કંપનીના નામ હેઠળ કામચલાઉ ઑફિસો બનાવીને ઑફિસની દેખરેખ માટે કર્મચારીઓની ભરતી પણ કરતી હતી. ત્‍યાર બાદ તેઓ હોલેસલ માર્કેટના વેપારીનો સંપર્ક કરતા હતા, માલ માટે મોટો ઑર્ડર આપતા હતા અને સપ્‍લાયર્સને આ ભાડાની ઑફિસોમાં માલ પહોંચાડવા કહેતા હતા.

શરૂઆતમાં આરોપીઓ વેપારીઓને ખાતરી આપતા હતા કે ડિલિવરી સમયે પેમેન્‍ટ રોકડામાં અથવા ઑનલાઇન ટ્રાન્‍સફર દ્વારા કરવામાં આવશે. જોકે એક વાર માલ આવી જાય પછી તેઓ ચેક આપતા હતા. સપ્‍લાયર્સને ખબર પડે કે ચેક બાઉન્‍સ થઈ ગયો છે ત્‍યાં સુધીમાં ગેન્‍ગ જગ્‍યા ખાલી કરી માલ લઈને ગાયબ થઈ જતી હતી.

પોલીસે આ કેસમાં ગુજરાતના મેહુલ જગાણી, ગોપાલ રાયચુરા અને નીરવ લાખાણીની જ્‍યારે માલવણીના એહસાન ખાનની ધરપકડ કરી છે. પોલીસસૂત્રોએ જણાવ્‍યું હતું કે મેહુલ જગાણી આ ગેન્‍ગનો કથિત માસ્‍ટરમાઇન્‍ડ છે અને મુંબઈ અને ગુજરાત બન્નેમાં તેની સામે છેતરપિડીના અનેક કેસ નોંધાયા છે.

પોલીસે ખુલાસો કર્યો હતો કે ૪ આરોપીઓમાંથી ૩ ગુજરાતના રહેવાસી છે. આ ગેન્‍ગ ખૂબ જ સંગઠિત રીતે કાર્યરત હતી અને મુંબઈની હોટેલોમાં રહેતી હતી, જ્‍યારે મેહુલ જગાણીએ મીરા રોડ પરમાં એક ફલેટ ભાડે રાખ્‍યો હતો

(10:18 AM IST)