<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

જમ્‍મુ-કાશ્‍મીર અમારો ભાગ હતો, છે અને હંમેશા રહેશે

UNSCમાં ભારતે પાકિસ્‍તાનને ધોઈ નાખ્‍યું : પાકિસ્‍તાન તરફથી કરવામાં આવતા દાવા અને નિવેદનો પૂરી રીતે પાયાવિહોણા છે અને તે જમીની હકીકતને બદલી ન શકે

યુનો,તા.૬: સંયુક્‍ત રાષ્ટ્રમાં ભારતે એકવાર ફરી પાકિસ્‍તાનને કડક જવાબ આપ્‍યો છે. ભારતના સ્‍થાયી પ્રતિનિધિ પી. હરીશે સુરક્ષા પરિષદમાં પાકિસ્‍તાનના નિવેદનો પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ઇસ્‍લામાબાદ સતત સંયુક્‍ત રાષ્ટ્રના મંચનો દુરુપયોગ કરી રહ્યું છે અને ભ્રામક માહિતી ફેલાવવાનો પ્રયત્‍ન કરી રહ્યું છે.

સંયુક્‍ત રાષ્ટ્રમાં ભારતના સ્‍થાયી પ્રતિનિધિ પી. હરીશે સુરક્ષા પરિષદના વાર્ષિક અહેવાલ પર ચર્ચા દરમિયાન પાકિસ્‍તાન તરફથી જમ્‍મુ-કાશ્‍મીરનો મુદ્દો ઉઠાવવામાં આવતા તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પાકિસ્‍તાન સતત સુરક્ષા પરિષદના મંચનો ઉપયોગ પોતાના રાજકીય હિતો સાધવા અને ખોટી માહિતી ફેલાવવા માટે કરી રહ્યું છે.

પી. હરીશે કહ્યું કે, સંયુક્‍ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સદસ્‍યતા કોઈ વિશેષાધિકાર નથી, પરંતુ એક મોટી જવાબદારી છે. એવામાં સભ્‍ય દેશો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પરિષદના મંચનો ઉપયોગ રચનાત્‍મક અને જવાબદાર રીતે કરે, નહીં કે જૂઠા અને પક્ષપાતપૂર્ણ એજન્‍ડાને આગળ વધારવા માટે.

તેમણે પાકિસ્‍તાન પર નિશાન સાધતા કહ્યું કે, સુરક્ષા પરિષદ એવું મંચ નથી જ્‍યાં રાજકીય હેતુથી ખોટો અને ભ્રામક નેરેટિવ રજૂ કરવામાં આવે. પાકિસ્‍તાને એક જવાબદાર સભ્‍યની જેમ વર્તવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય મંચોનો દુરુપયોગ બંધ કરવો જોઈએ.

આ દરમિયાન ભારતે જમ્‍મુ-કાશ્‍મીરના મુદ્દા પર પોતાનું જૂનું અને સ્‍પષ્ટ વલણ ફરી દોહરાવ્‍યું છે. પી. હરીશે કહ્યું કે જમ્‍મુ-કાશ્‍મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્‍ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે. આ મુદ્દા પર પાકિસ્‍તાન તરફથી કરવામાં આવતા દાવા અને નિવેદનો પૂરી રીતે પાયાવિહોણા છે અને તે જમીની હકીકતને બદલી ન શકે.

ભારતે એવો પણ આરોપ લગાવ્‍યો કે પાકિસ્‍તાન સુરક્ષા પરિષદમાં પોતાની હાજરીનો ઉપયોગ સતત ભારત વિરોધી પ્રચાર માટે કરી રહ્યું છે. ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે, પાકિસ્‍તાન ઘણીવાર એવા મુદ્દા પણ ઉઠાવે છે જેનો સુરક્ષા પરિષદના એજન્‍ડા સાથે કોઈ સીધો સંબંધ નથી હોતો

(10:19 AM IST)