<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

મધ્ય-પૂર્વમાં ભારે તંગદિલી : અમેરિકાએ ઈરાનના રાડાર અને કમ્યુનિકેશન સ્થાનો પર બોમ્બમારો કર્યો : વળતા પ્રહારમાં ઈરાને કુવૈત અને બહેરીનમાં આવેલા યુએસ સૈન્ય મથકો પર બેલિસ્ટિક મિસાઈલો છોડી

હોર્મુઝની સામુદ્રધુનીમાં ડ્રોન હુમલા અને ઓઈલ ટેન્કરો રોકવા મામલે બંને મહાસત્તાઓ આમને-સામને : ઈરાનની આઈઆરજીસીએ યુએસ ફિફ્થ ફ્લીટને નિશાન બનાવી હોર્મુઝ સળગાવી દેવાની અને તેલ-ગેસની નિકાસ સંપૂર્ણ ઠપ્પ કરવાની ગંભીર ચેતવણી આપી

તેહરાન : મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં યુદ્ધની જ્વાળાઓ વધુ ભભૂકી ઉઠી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે સીધા સૈન્ય મથકો પર હુમલા સુધી પહોંચી ગયો છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) અને ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) દ્વારા એકબીજાના વ્યૂહાત્મક સ્થાનો પર ઉપરાઉપરી ભયાનક હુમલા કરવામાં આવતા વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

 

 અમેરિકાનો દાવો: આત્મરક્ષણમાં ઈરાની રાડાર સાઇટ્સ પર કર્યા પ્રહારો:

યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, તેઓએ હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) તરફ આવી રહેલા ઈરાનના ચાર વન-વે એટેક ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા. અમેરિકી મીડિયાએ પણ અગાઉ ઈરાન તરફથી આ ચાર ડ્રોન લોન્ચ કરાયા હોવાના અહેવાલો આપ્યા હતા. અમેરિકાએ દાવો કર્યો છે કે આ ડ્રોન હુમલાના જવાબમાં પોતાના આત્મરક્ષણ માટે તેઓએ ઈરાનના ગોરુક અને કેશમ આઇલેન્ડ (Qeshm Island) પર આવેલા દરિયાકાંઠાના સર્વેલન્સ રાડાર સાઇટ્સને નિશાન બનાવીને ભારે એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં કમ્યુનિકેશન માસ્ટ્સ (ટેલિકોમ ટાવરો) ને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

 

 ઈરાનનો પલટવાર: કુવૈત અને બહેરીનમાં અમેરિકી બેઝ પર બેલિસ્ટિક મિસાઈલ છોડી:

અમેરિકાના આ સૈન્ય આક્રમણના જવાબમાં ઈરાનની આઈઆરજીસી (IRGC) એ ભારે આક્રોશ સાથે વળતો પ્રહાર કર્યો છે. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી ઇરના (IRNA) ના રિપોર્ટ અનુસાર, ઈરાનની આઈઆરજીસી એરોસ્પેસ ફોર્સે કુવૈતમાં આવેલા અમેરિકાના 'અલી અલ સાલેમ' એર બેઝ પર અને બહેરીનમાં સ્થિત યુએસ ફિફ્થ ફ્લીટ (પાંચમો નૌકાદળ કાફલો) ના મુખ્ય બાકી રહેલા સૈન્ય મથકો અને સુવિધાઓ પર એકસાથે અનેક બેલિસ્ટિક મિસાઈલો દાગીને તેમને નિશાન બનાવ્યા છે. ઈરાનનો આરોપ છે કે અમેરિકી ડ્રોન્સે પહેલા કેશમ આઇલેન્ડ અને સિરિકમાં તેમના સંચાર માળખા પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં આ કાર્યવાહી જરૂરી બની હતી.

 

 ઓઈલ ટેન્કરો અટકાવ્યા અને હોર્મુઝ બંધ કરવાની ચેતવણી:

આ સૈન્ય સંઘર્ષ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુનીમાં દરિયાઈ અવરજવર પર પણ ભારે અસર પડી છે. આઈઆરજીસીના નિવેદન મુજબ, ચાર ઓઈલ ટેન્કરોએ ઈરાનની નૌસેના સાથે કોઈ પણ પ્રકારના સંકલન વગર ગેરકાયદેસર રીતે હોર્મુઝની સામુદ્રધુની છોડવાનો પ્રયાસ કર્યો હતો. ઈરાનની નેવી દ્વારા વારંવાર આપવામાં આવેલી ચેતવણીઓને આ ટેન્કરોએ નજરઅંદાજ કરી હતી, જેના કારણે એક ઓઈલ ટેન્કરને નિશાન બનાવીને અધવચ્ચે જ રોકી લેવામાં આવ્યું હતું, જ્યારે બાકીના નિયમભંગ કરનારા વહાણો પાછા વળી ગયા હતા.

ઈરાનની સૈન્ય પાંખે અમેરિકાને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો અમેરિકા દ્વારા આવા શત્રુતાપૂર્ણ કૃત્યોનું પુનરાવર્તન કરવામાં આવશે, તો ઈરાનનો પ્રતિભાવ માત્ર આટલા પૂરતો મર્યાદિત નહીં રહે. વધુમાં ભવિષ્યમાં જો હોર્મુઝની સામુદ્રધુની અમેરિકાના તેલ અને ગેસની નિકાસ માટે સંપૂર્ણપણે બંધ થઈ જશે, તો તેનાથી ઉભા થનારા તમામ ગંભીર પરિણામો માટે માત્ર ને માત્ર અમેરિકા જ જવાબદાર રહેશે.

(1:52 PM IST)