<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ભયાનક ખાદ્ય સંકટની આશંકા : યુનાઇટેડ નેશન્સની ફૂડ એજન્સીએ આપી 'હંગર ઇમરજન્સી'ની ગંભીર ચેતવણી

મોંઘવારી અને વેપારમાં અવરોધોને લીધે વિશ્વના કરોડો લોકો પર ભુખમરીનું જોખમ : અફઘાનિસ્તાન, સોમાલિયા અને શ્રીલંકામાં લાખો નાગરિકો પ્રાથમિક ભોજન માટે વલખાં મારવા મજબૂર બન્યા

નવી દિલ્હી : વિશ્વભરમાં વધી રહેલી સૈન્ય તંગદિલી વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ની ખાદ્ય એજન્સી દ્વારા એક અત્યંત ચિંતાજનક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. એજન્સીના સત્તાવાર વિશ્લેષણ અનુસાર, ઈરાન યુદ્ધના કારણે દુનિયાના અનેક હિસ્સાઓમાં ખાદ્ય સંકટ વધુ ઘેરૂ બની રહ્યું છે. જો આ વૈશ્વિક સંઘર્ષ આમ જ વધતો રહેશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો ઊંચી સપાટી પર રહેશે, તો વિશ્વના કરોડો નિર્દોષ લોકો પર ભુખમરીનું મોટું સંકટ આવી શકે છે તેવી સ્પષ્ટ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (WFP) ના અહેવાલ મુજબ, આ યુદ્ધના કારણે ઉર્જા અને ખાદ્ય પદાર્થોની કિંમતોમાં સીધો ઉછાળો જોવા મળી રહ્યો છે. ઈંધણની વધતી કિંમતો અને આંતરરાષ્ટ્રીય વેપારમાં આવી રહેલા અવરોધોના લીધે પછાત અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા દેશોની હાલત વધુ કફોડી બની છે. આ દેશોના લાખો ગરીબ નાગરિકો પોતાની દૈનિક પ્રાથમિક ભોજનની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ અત્યારે ભારે સંઘર્ષ કરી રહ્યા છે.

ખાસ કરીને ત્રણ દેશોમાં આ સંકટની વ્યાપક અસર જોવા મળી રહી છે, જેમાં સોમાલિયામાં ૨૫ લાખ વધારાના લોકો, અફઘાનિસ્તાનમાં ૨૩ લાખ વધારાના લોકો અને ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ૧૩ લાખ જેટલા વધારાના નાગરિકો પ્રાથમિક અન્ન મેળવવા માટે વલખાં મારી રહ્યા છે. અગાઉ માર્ચ મહિનામાં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે જૂનના અંત સુધીમાં વિશ્વભરમાં ૪.૫ કરોડ લોકો ખાદ્ય અસુરક્ષાની ગંભીર સ્થિતિમાં ધકેલાઈ શકે છે, જે દુનિયાના અન્ય ૩૧.૮ કરોડ પ્રભાવિત લોકો ઉપરાંતના હશે.

વિશ્વ ખાદ્ય કાર્યક્રમના કાર્યકારી નિદેશક કાર્લ સ્કાઉએ આ અંગે જણાવ્યું હતું કે, ગરીબ દેશોમાં ઉર્જા અને ખાદ્ય કિંમતો વચ્ચે સીધો સબંધ હોય છે. ગરીબ પરિવારો પોતાની આવકનો મોટો હિસ્સો ભોજન પાછળ ખર્ચતા હોય છે, તેથી ભાવ વધતાની સાથે જ લોકોએ ખાવાનું ઓછું કરવું પડે છે. આ વેસ્ટ એશિયા સંકટની નકારાત્મક અસરો આગામી મહિનાઓમાં હજુ વધુ વણસી શકે છે. આ સિવાય સુદાન, ગાઝા, દક્ષિણ લેબનાન, યમન અને હૈતી જેવા વિસ્તારો પણ ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. હાલમાં ફંડિંગની અછતને કારણે એજન્સીને પોતાની સહાય મર્યાદિત કરવી પડી હોવાથી, કાર્લ સ્કાઉએ વૈશ્વિક દાતાઓ પાસે સોમાલિયા અને અફઘાનિસ્તાન માટે મોટી મદદની અપીલ કરી છે.

(1:00 PM IST)