<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

વૈશ્વિક અર્થતંત્રને ડૂબાડવાની તેહરાનની ધમકી: અમેરિકી નાકાબંધી સામે ઈરાનનો ભયાનક 'મિની વોર પ્લાન'

હોર્મુઝ સ્ટ્રેટ સહિત ૫ મુખ્ય દરિયાઈ માર્ગો બંધ કરી આરબ દેશો પર મિસાઈલ હુમલાની ચેતવણી: ઓમાનના અખાતમાં ૬૭ મિલિયન બેરલ તેલ ફસાતા યુદ્ધના ભણકારા

તેહરાન: અમેરિકાની આકરા આર્થિક પ્રતિબંધો અને દરિયાઈ નાકાબંધીની નીતિ સામે ઈરાને હવે આરપારની લડાઈ લડવાનો આખરી પ્લાન તૈયાર કરી લીધો છે. પેન્ટાગોન અને નાટોની વ્યૂહરચનાઓને નિષ્ફળ ગણાવી તેહરાને સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે કે જો ઈરાનનું તેલ સમુદ્રમાં અટકાવવામાં આવશે, તો તે સમગ્ર વિશ્વના અર્થતંત્રને ડૂબાડી દેશે. ઈરાને તેની 'મીની યુદ્ધ યોજના' હેઠળ પર્સિયન ગલ્ફ, હોર્મુઝ સ્ટ્રેટ, ઓમાનનો અખાત, બાબ અલ-મંડેબ અને એડનનો અખાત એમ પાંચ મોરચે નાકાબંધી લાદવાની સત્તાવાર ધમકી આપી છે. આ કડક વલણને કારણે સમગ્ર આરબ ક્ષેત્રમાં ગમે ત્યારે ભયાનક વૈશ્વિક યુદ્ધ ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે.

લાંબા ગાળાના પ્રતિબંધોને કારણે ઓમાનના અખાતમાં ઈરાનનું આશરે ૬૭ મિલિયન બેરલ તેલ જહાજોમાં ફસાયેલું છે. સંગ્રહ ક્ષમતા સમાપ્ત થતાં ઈરાને થોડું તેલ સમુદ્રમાં ઢોળવાની ફરજ પડી છે, જેનાથી તેનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાન અને ઓમાનની દરિયાઈ સરહદમાં આવતા હોર્મુઝ સ્ટ્રેટના ૩ કિલોમીટરના મુખ્ય શિપિંગ લેન પર સંપૂર્ણ અંકુશ મેળવવા તેહરાને નવી રાજદ્વારી ફોર્મ્યુલા રજૂ કરી છે, જેમાં કોઈપણ તૃતીય પક્ષની મધ્યસ્થી સ્વીકારવાની ના પાડી દેવામાં આવી છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, અમેરિકા સામે શરણાગતિ સ્વીકારવાના બદલે ઈરાન હવે નાકાબંધી તોડવા અથવા આરબ દેશો પર સીધો સૈન્ય હુમલો કરવાના વિકલ્પો પર ગંભીરતાથી આગળ વધી રહ્યું છે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પની બેવડી નીતિનો સામનો કરવા ઈરાને તેના મિસાઈલ ઉત્પાદનને બમણું કરી દીધું છે અને તે ગમે ત્યારે 'મિશન ૩૦૦' લોન્ચ કરી શકે છે. ઈરાન પાસે ખોરમશહર અને સેજિલ જેવી ૨૦૦૦ કિલોમીટરથી વધુની રેન્જ ધરાવતી હાઈપરસોનિક મિસાઈલો છે, જે કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડવા સક્ષમ છે. આ આધુનિક હથિયારો દ્વારા તેહરાનથી કુવૈત માત્ર ૧.૫ મિનિટમાં, બહેરીન, કતાર અને યુએઈ ૩ મિનિટમાં, જ્યારે સાઉદી અરેબિયા અને ઇઝરાયલ પર માત્ર ૪ થી ૫ મિનિટમાં વિનાશક હુમલો કરી શકાય તેમ છે. ઈરાનની વ્યુહરચના એવી છે કે આરબ દેશો પર હુમલો કરીને ટ્રમ્પ પર કાયમી યુદ્ધવિરામ માટે દબાણ લાવવું, પરંતુ આ મહાયુદ્ધની શરૂઆત સાબિત થઈ શકે છે.

(7:12 PM IST)