તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
માનવતાને કલંકિત કરતું રેકેટ: ગરીબ સગીરાઓને લાલચ આપી મુંબઈ-નાગપુર વેચતી આંતરરાજ્ય ગેંગનો રાજસ્થાનમાં પર્દાફાશ!
બનાવટી દસ્તાવેજોના આધારે સગીરાઓને પુખ્ત બતાવી વેચવાનું કાળું કામ; રાજસ્થાન પોલીસની SIT ટીમે ૧૦ યુવતીઓને બચાવી પાંચને જેલના સળિયા પાછળ ધકેલ્યા

જયપુર : રાજસ્થાનમાં માનવ તસ્કરીનું એક અત્યંત ઘૃણાસ્પદ અને ચોંકાવનારું રેકેટ સામે આવ્યું છે. ગરીબી અને લાચારીનો લાભ ઉઠાવીને માસૂમ સગીરાઓને સારા ભવિષ્ય અને નોકરીના બહાને મુંબઈ તથા નાગપુર જેવા શહેરોમાં વેચતી એક આંતરરાજ્ય ગેંગનો ઝાલાવાડ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગનો ભયાનક ચહેરો ત્યારે સામે આવ્યો જ્યારે પોલીસે મહિનાઓની ગુપ્ત તપાસ બાદ સગીરાઓને નરક જેવી સ્થિતિમાંથી મુક્ત કરાવી હતી.
બનાવટી દસ્તાવેજો અને ક્રૂરતાની પરાકાષ્ઠા
પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે હચમચાવી નાખનારી છે. આ ગેંગ માત્ર છોકરીઓને વેચતી જ નહોતી, પરંતુ તેમને કાયદાકીય રીતે 'પુખ્ત' સાબિત કરવા માટે તેમના બનાવટી ઓળખ દસ્તાવેજો પણ તૈયાર કરતી હતી. ગેંગની ક્રૂરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમણે બનાવેલા 'વેચાણ કરાર' માં સ્પષ્ટ લખ્યું હતું કે જો છોકરી આત્મહત્યા કરે અથવા મૃત્યુ પામે, તો જ દેવું માફ કરવામાં આવશે! અન્યથા, જો છોકરી ભાગી જવાનો પ્રયત્ન કરે, તો તેના પરિવાર પાસે વ્યાજ સાથે મોટી રકમની વસૂલાત કરવામાં આવતી હતી.
SIT ની સફળ કામગીરી અને ધરપકડ
ઝાલાવાડ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ 'કંજર પુનર્વસન કાર્યક્રમ' સાથે જોડાઈને મહિનાઓ સુધી ગુપ્ત રીતે આ નેટવર્ક પર નજર રાખી હતી. પોલીસ અધિક્ષક અમિત કુમારના માર્ગદર્શન હેઠળ, ટીમે દેશના અલગ-અલગ ભાગોમાં રેડ પાડીને કુલ ૧૦ યુવતીઓને બચાવી લીધી છે, જેમાંથી ૭ સગીર વયની છે. આ રેકેટની મુખ્ય સૂત્રધાર ૫૩ વર્ષીય રામકન્યા બાઈ સહિત પાંચ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે, જ્યારે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.
ગરીબ પરિવારો હતા નિશાન પર
આ ગેંગ મુખ્યત્વે એવા પરિવારોને નિશાન બનાવતી હતી જેઓ ગરીબ હતા અને માથે દેવું હતું. તેમને પૈસાની લાલચ આપીને તેમની દીકરીઓને લઈ જવામાં આવતી અને ત્યારબાદ તેમને મુંબઈ-નાગપુરના દલાલોને મોટી રકમમાં વેચી દેવામાં આવતી હતી. આ ઘટનાએ સાબિત કર્યું છે કે માનવ તસ્કરીનું આ નેટવર્ક કેટલું ઊંડું અને ખતરનાક છે. હાલ પોલીસ અન્ય સંડોવાયેલા દલાલો અને આ રેકેટ પાછળ રહેલા મોટા માથાઓને શોધવા માટે તપાસનો વ્યાપ વધારી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
