<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ગોલ્ડ માર્કેટમાં ફરીથી 'મોટો ખેલ' શરૂ: શું સોનાના ભાવમાં હવે આવશે તોફાની તેજી? મધ્યસ્થ બેંકોની ખરીદીએ વધારી ઉત્સુકતા!

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના લેટેસ્ટ રિપોર્ટમાં મોટો ખુલાસો; ચીન અને પોલેન્ડની આક્રમક ખરીદી વચ્ચે રશિયાનું સોનું વેચવાનું વલણ યથાવત

નવી દિલ્હી : સોનાના વૈશ્વિક બજારમાં ફરી એકવાર હલચલ તેજ બની છે. દુનિયાભરની મધ્યસ્થ બેંકોએ સોનામાં રોકાણ કરવાનું વધારી દીધું છે, જેના કારણે સોનાના ભાવમાં આગામી સમયમાં મોટી ઉથલપાથલની શક્યતાઓ સેવાઈ રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલો મુજબ, એપ્રિલ મહિનામાં પૂર્વી યુરોપ અને એશિયાઈ દેશોની કેન્દ્રીય બેંકોએ શુદ્ધ સોનાની ખરીદીમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે, જે રોકાણકારો માટે ચર્ચાનો વિષય બન્યો છે.
ચીન અને પોલેન્ડની ખરીદીમાં મોટો વધારો
આ આક્રમક ખરીદી પાછળ સૌથી મોટું નામ ચીનનું સામે આવ્યું છે. ચીનની પીપલ્સ બેંકે એપ્રિલ મહિનામાં જંગી 8 ટન સોનાનો જથ્થો ખરીદીને બજારમાં આશ્ચર્ય સર્જ્યું છે, જે ડિસેમ્બર 2024 પછીનો સૌથી મોટો આંકડો છે. હવે ચીનના કુલ ભંડોળમાં સોનાનો હિસ્સો આશરે 2,322 ટન પર પહોંચ્યો છે, જે તેના કુલ વિદેશી ભંડોળના લગભગ 9 ટકા છે. બીજી તરફ, પોલેન્ડ પણ સોનાની ખરીદીમાં સૌથી આગળ રહ્યું છે, જે દર્શાવે છે કે આ દેશો પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સોનાને સૌથી સુરક્ષિત આશ્રયસ્થાન માની રહ્યા છે.
રશિયા અને ઉઝબેકિસ્તાનનું અલગ વલણ
એક તરફ જ્યાં દેશો સોનું ખરીદી રહ્યા છે, ત્યાં રશિયાની સેન્ટ્રલ બેંકનું વલણ કંઈક અલગ જોવા મળી રહ્યું છે. રશિયાએ એપ્રિલમાં સતત ચોથા મહિને 6 ટન સોનું વેચ્યું છે. આ જ રીતે ઉઝબેકિસ્તાને પણ 1 ટન સોનાનું વેચાણ કર્યું છે. જોકે, રસપ્રદ વાત એ છે કે વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં ઉઝબેકિસ્તાને કુલ 24 ટન સોનાની ખરીદી કરી છે, એટલે કે ટૂંકા ગાળાના વેચાણ છતાં તેઓ હજુ પણ નેટ-બાયર (ચોખ્ખા ખરીદદાર) જ છે.
શું સોનાના ભાવમાં આવશે તોફાની તેજી?
નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે મધ્યસ્થ બેંકો આટલા મોટા પાયે સોનાની ખરીદી કરતી હોય, ત્યારે તે વૈશ્વિક અર્થતંત્રમાં રહેલી અનિશ્ચિતતાનો સંકેત આપે છે. ડોલર સામે સોનાને વધુ સુરક્ષિત માનવાની આ રણનીતિ આવનારા સમયમાં સોનાના ભાવમાં તેજીનું કારણ બની શકે છે. શું આ તેજી સામાન્ય ગ્રાહકો માટે ખરીદીના નવા દ્વાર ખોલશે કે પછી સોનાના ભાવ આસમાને પહોંચાડશે? તે હવે જોવું રહ્યું.

(8:30 PM IST)