તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
જૂનો મોબાઇલ કચરામાં ફેંકતા પહેલાં એકવાર વિચારજો! તમારી એક નાની ભૂલ તમારું બેંક એકાઉન્ટ કરી શકે છે ખાલી
ડેટા સુરક્ષા અને પર્યાવરણ માટે જૂના સ્માર્ટફોનનો નિકાલ કરતી વખતે રાખો આટલી સાવધાની; સાયબર ઠગોથી બચવા માટે આ પગલાં લેવા અત્યંત જરૂરી

અમદાવાદ: આજકાલ ટેકનોલોજીના ઝડપી યુગમાં નવા ફીચર્સ અને અપડેટ્સ પાછળ ભાગતા લોકો વારંવાર સ્માર્ટફોન બદલતા હોય છે. પરંતુ નવો ફોન ખરીદ્યા પછી જૂના ફોનનું શું કરવું? ઘણા લોકો તેને ઘરના કોઈ ખૂણે ધૂળ ખાવા દે છે અથવા તો સામાન્ય કચરામાં ફેંકી દે છે. પણ શું તમે જાણો છો કે તમારી આ નાની લાગતી ભૂલ તમારા અંગત જીવન અને બેંકિંગ વ્યવહારો માટે કેટલું મોટું જોખમ બની શકે છે?
ડેટા ચોરીનું જોખમ: બંધ ફોન પણ બની શકે છે મુસીબત
લોકોને અવારનવાર એવી ગેરસમજ હોય છે કે ફોન બંધ થઈ જાય કે તે ડેમેજ થઈ જાય એટલે તેની અંદરની તમામ માહિતી નષ્ટ થઈ ગઈ છે. હકીકતમાં, સ્માર્ટફોનની મેમરી ચિપમાં તમારા ફોટા, વીડિયો, મહત્વના દસ્તાવેજો અને સૌથી વધુ જોખમી એવા તમારા બેંકિંગ એપના લોગિન ડિટેલ્સ સંગ્રહિત રહી શકે છે. જો તમે ડેટા ડિલીટ કર્યા વિના ફોન ફેંકી દો છો, તો સાયબર ગુનેગારો જૂના ફોનમાંથી મેમરી ચિપ કાઢીને તમારી નાણાકીય માહિતી ચોરી શકે છે અને તમને મોટું આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.
પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો
માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ પર્યાવરણીય દ્રષ્ટિએ પણ જૂના ફોનનો નિકાલ કરવો ખૂબ જોખમી છે. સ્માર્ટફોનની અંદર લિથિયમ-આયર્ન બેટરી હોય છે, જેમાં સીસું, પારો અને કેડમિયમ જેવા અત્યંત હાનિકારક રસાયણો હોય છે. જો તેને સામાન્ય કચરામાં ફેંકવામાં આવે, તો ડમ્પિંગ સાઇટ્સ પર ગરમી કે દબાણને કારણે તેમાં આગ લાગી શકે છે અથવા વિસ્ફોટ પણ થઈ શકે છે. આ ઝેરી તત્વો માટી અને પાણીમાં ભળીને પ્રદૂષણ ફેલાવે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ઘાતક છે.
શું છે સુરક્ષિત રસ્તો?
જૂના ફોનને કચરામાં ફેંકવાને બદલે કેટલીક પદ્ધતિઓ અપનાવવી જોઈએ:
· ડેટા ડિલીટ કરો: ફોન ફેંકતા પહેલાં તેનો તમામ ડેટા ભૂંસી નાખો અને ફોનને 'ફેક્ટરી રિસેટ' કરો.
· અધિકૃત રિસાયક્લિંગ સેન્ટર: તમારા જૂના ફોનને હંમેશા પ્રમાણિત ઈ-વેસ્ટ રિસાયક્લિંગ સેન્ટરમાં જ જમા કરાવો.
· કંપની એક્સચેન્જ ઓફર: ઘણી મોબાઇલ કંપનીઓ જૂના ફોનના બદલામાં એક્સચેન્જ ઓફર આપે છે, જે સૌથી સુરક્ષિત અને ફાયદાકારક વિકલ્પ છે.
· સર્વિસ સેન્ટર: ફોનને હંમેશા કંપનીના અધિકૃત સર્વિસ સેન્ટરમાં જ આપવો જોઈએ જેથી તેનું યોગ્ય રીતે રિસાયક્લિંગ થઈ શકે.
આજે જ સાવધ થાઓ! તમારો જૂનો સ્માર્ટફોન તમારી અંગત માહિતીનું સાધન છે, કચરો નહીં. તેને યોગ્ય રીતે ડિસકાર્ડ કરીને જ તમે તમારી નાણાકીય સુરક્ષા અને પર્યાવરણ બંનેને બચાવી શકો છો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
