News of Saturday, 6th June 2026
સંદેશખાલીમાં માછલીના તળાવમાંથી નીકળ્યો હથિયારોનો જંગી જથ્થો: STFના દરોડામાં શેખ શાહજહાંના ચાર સાથીઓ દબોચાયા
ઉત્તર ૨૪ પરગણાના મણિપુરમાં ગુપ્ત ઓપરેશન: તળાવ અને ત્યજી દેવાયેલા ઘરમાંથી ૧૮ બંદૂકો અને ૫૬ જીવતા કારતૂસ જપ્ત : તૃણમૂલના પૂર્વ નેતાના ભાઈઓ ફરાર

કોલકાતા: પશ્ચિમ બંગાળના ચર્ચિત અને સંવેદનશીલ વિસ્તાર સંદેશખલીમાં બંગાળ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એ એક મોટું ઓપરેશન પાર પાડીને ગુનેગારોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના મણિપુર વિસ્તારમાં આવેલા માછલી ઉછેર માટેના એક તળાવમાંથી એસટીએફને મોટી માત્રામાં ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આ સનસનાટીભર્યા કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા તમામ આરોપીઓ એક સમયે તૃણમૂલ કોંગ્રેસ ના સસ્પેન્ડેડ અને પ્રભાવશાળી નેતા શેખ શાહજહાંના અત્યંત નજીકના શાર્પશૂટર અને સાથીદારો હોવાનું સામે આવ્યું છે, જેનાથી બંગાળના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એસટીએફની ટીમને સૌથી પહેલા મળેલી બાતમીના આધારે સરબેરિયા વિસ્તારના એક ત્યજી દેવાયેલા મકાનમાં દરોડો પાડીને શાહજહાંના ત્રણ સાથીઓને ઝડપી લીધા હતા અને ત્યાંથી ૫ હથિયારો જપ્ત કર્યા હતા. આ પકડાયેલા ગુનેગારોની આકરી પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે અસલી જથ્થો મણિપુર ગામના એક મોટા માછલીના તળાવમાં પાણીની નીચે છુપાવવામાં આવ્યો છે. એસટીએફે ત્યાં દરોડો પાડીને તળાવના ઊંડા પાણીમાંથી વધુ ૧૩ હથિયારો શોધી કાઢ્યા હતા. જપ્ત કરાયેલા કુલ ૧૮ હથિયારોમાં ૧૦ લાંબી બંદૂકો, ૮ પિસ્તોલ અને ૫૬ જીવતા કારતૂસ (લાઇવ રાઉન્ડ) નો સમાવેશ થાય છે. આ તપાસ દરમિયાન તળાવના માલિક અને તૃણમૂલના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ રોબિન દાસ તેમજ તેમના ભાઈ ગોપાલ દાસ ફરાર થઈ ગયા છે, જેમની શોધખોળ ચાલી રહી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જેલમાં બંધ શેખ શાહજહાં સંદેશખલી અને તેની આસપાસના વિસ્તારોમાં હથિયારોની હેરાફેરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ માટે આખું સંગઠિત નેટવર્ક ચલાવતો હતો. જાન્યુઆરી ૨૦૨૪માં ઇડી (ED) ની ટીમ પર થયેલા લોહિયાળ હુમલા બાદ ફેબ્રુઆરીમાં શાહજહાંની ધરપકડ થઈ હતી અને તે હાલમાં જેલના સળિયા પાછળ છે. સંદેશખલીની સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનોએ શાહજહાં અને તેની ગેંગ પર અગાઉ કરોડો રૂપિયાની જમીનો હડપ કરવાનો અને મહિલાઓનું શારીરિક શોષણ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ તાજા હથિયારોના જથ્થાએ સાબિત કર્યું છે કે શાહજહાંના ગુંડાઓ હજુ પણ વિસ્તારમાં અશાંતિ ફેલાવવા માટે સક્રિય હતા, જેને એસટીએફએ નિષ્ફળ બનાવ્યો છે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
