<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

કુદરતનો કોપ: કાશ્મીરમાં 4 દિવસમાં 4 વાદળ ફાટ્યા, હિમાચલમાં ભૂકંપના 3 આંચકાથી મકાનો ધરાશાયી

પહાડી વિસ્તારોમાં ભયનો માહોલ, તંત્ર દ્વારા મચૈલ માતા અને મિંધલ માતાની ધાર્મિક યાત્રાઓ પર હાલ પૂરતો પ્રતિબંધ

જમ્મુ/શિમલા : ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ સહિતના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસમાં ચાર વખત વાદળ ફાટવાની પ્રલયકારી ઘટનાઓ સામે આવી છે, જ્યારે પાડોશી રાજ્ય હિમાચલ પ્રદેશમાં રાતભર ભૂકંપના ત્રણ તીવ્ર આંચકા અનુભવાયા છે. ભારે વરસાદ, ભુસ્ખલન અને ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થતાં સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સુરક્ષાના ભાગરૂપે વહીવટીતંત્રે પ્રભાવિત વિસ્તારોમાં ધાર્મિક યાત્રાઓ અટકાવી દીધી છે અને લોકોને એલર્ટ રહેવા સૂચના આપી છે.
તંત્રના સત્તાવાર અહેવાલો મુજબ, હિમાચલ પ્રદેશમાં રાત્રિ દરમિયાન ભૂકંપના જે ત્રણ આંચકા આવ્યા તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર અનુક્રમે 5.0, 2.8 અને 3.0 માપવામાં આવી હતી. રાત્રે ૧૦ વાગ્યાથી શરૂ થયેલા આ સિલસિલાએ લોકોમાં ભારે ગભરાટ ફેલાવ્યો હતો અને જીવ બચાવવા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ધરતીકંપને કારણે કેટલાક વિસ્તારોમાં રહેણાંક મકાનોને મોટું નુકસાન પહોંચ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ, ડોડા અને રિયાસી જેવા પહાડી જીલ્લાઓમાં વાદળ ફાટવાને કારણે નદી-નાળાઓ ઉભરાયા છે. ઘાટીમાં જ્યાં આભ ફાટ્યું છે, ત્યાં જમ્મુના મેદાની વિસ્તારોમાં હજુ પણ અસહ્ય ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાનની આ ગંભીર સ્થિતિને જોતાં પ્રશાસને કિશ્તવાડમાં યોજાતી પ્રખ્યાત મચૈલ માતા અને મિંધલ માતાની ધાર્મિક યાત્રાઓ હાલ પૂરતી રોકી દીધી છે અને શ્રદ્ધાળુઓને પહાડી વિસ્તારો તરફ ન જવા તાકીદ કરી છે.
ભૂસ્ખલન અને પૂરની આશંકાને પગલે વહીવટીતંત્રે નદી કિનારાના વિસ્તારોમાં હાઈ-એલર્ટ જાહેર કરીને લોકોને જળાશયોથી દૂર રહેવાની કડક સલાહ આપી છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ ધાર્મિક યાત્રાઓ ફરી શરૂ કરવા અંગે સત્તાવાર નિર્ણય લેવામાં આવશે.

(11:45 AM IST)