<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

બંગાળમાં રાજકીય ગરમાવો: TMC ધારાસભ્ય મદન મિત્રાની કાર પર પથ્થરમારો, ડ્રાઈવરને બેરહેમીથી માર્યો

કોલકાતાના કમરહાટીમાં કાઉન્સિલર પર હુમલા બાદ દોડી ગયેલા ધારાસભ્યને ટોળાએ ઘેર્યા, ભાજપ સમર્થકો પર આક્ષેપ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં રાજકીય ચિત્ર બદલાતાની સાથે જ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓ વિરૂદ્ધ હિંસાનો સિલસિલો તેજ બન્યો છે. શનિવારે સાંજે કમરહાટીના વરિષ્ઠ ટીએમસી ધારાસભ્ય મદન મિત્રાની કાર પર ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યો હતો. વોર્ડ નંબર 14ના કાઉન્સિલર પર હુમલાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલા ધારાસભ્યની ગાડીને બદમાશોએ ઘેરી લીધી હતી અને ડ્રાઈવરને બેરહેમીથી માર માર્યો હતો. જો કે, હુમલા સમયે ધારાસભ્ય કારમાં હાજર ન હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો.
ધારાસભ્ય મદન મિત્રાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, 'જ્યારે હું ભોગ બનેલા સ્થાનિક લોકોની મુલાકાત લઈ રહ્યો હતો, ત્યારે જ ભગવા સ્કાર્ફ પહેરેલા ૧૫૦ જેટલા યુવાનોનું ટોળું 'જય શ્રી રામ'ના નારા લગાવતું ત્યાં આવી પહોંચ્યું હતું. આ આક્રમક ટોળાએ બે વાર હું જે રૂમમાં બેઠો હતો તેને ઘેરી લીધો હતો.' ધારાસભ્યની ગેરહાજરીમાં ઉશ્કેરાયેલા લોકોએ તેમની કાર પર ઇંટો અને ઇંડા ફેંક્યા હતા અને ગાડી આગળ વધારવાનો પ્રયાસ કરી રહેલા ડ્રાઇવર પર હિંસક હુમલો કર્યો હતો.
પશ્ચિમ બંગાળમાં હાલના દિવસોમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સામે ઠેર-ઠેર જનતાનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ટીએમસી નેતા અભિષેક બેનરજી પણ જનતાના રોષનો ભોગ બન્યા હતા. આ સિવાય અન્ય એક ઘટનામાં છેડતીના આરોપસર પકડાયેલા ટીએમસી નેતા જયપ્રકાશ મજુમદારને જ્યારે તપાસ માટે સોલ્ટ લેક ઓફિસે લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે રોષે ભરાયેલા લોકોએ તેમના પર ઇંડા ફેંકી 'ચોર, ચોર'ના નારા લગાવ્યા હતા.
આ તાજી હિંસક ઘટનાને પગલે સમગ્ર કમરહાટી વિસ્તારમાં ભારે તણાવ વ્યાપી ગયો છે. ટીએમસીએ આ હુમલા પાછળ સીધો ભાજપ સમર્થકોનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે વિપક્ષે તેને આંતરિક જૂથબંધીનું પરિણામ ગણાવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રભાવિત વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને હુમલાખોરોની ઓળખ કરવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:45 AM IST)